Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં કોઈ જાહેર રસ્તા પર પાર્કિંગ પ્લેસ નથી, કોમર્શીયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ગેરકાયદેસર દબાણો મનપાની મીઠી નજર હેઠળ છડેચોક છે, ત્યારે લોકોના વાહનો ટ્રાફિક પોલીસની કોન્ટ્રાકટર ટીમના ટોઈંગ દ્વારા ટોઈંગ કરી અને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઇ જવામાં આવે છે, પણ અહી વાહનની સલામતી કેવી તેના પર સૌથી મોટો પ્રશ્ન ત્યારે ઉપસ્થિત થયો જયારે ટોઈંગ કરેલ વાહનની ટોઈંગ સ્ટેશન એટલે કે પોલીસ હેડ ક્વાર્ટરમાં થી ચોરી થઇ ગઈ….
પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પર નજર કરીએ તો જામનગર શહેરના શરૂ સેક્શન રોડ હેડ કવાર્ટરમાં આવેલા ટોઈંગ સ્ટેશનમાં જીજે-10-સીએફ 8005 નંબરનું એક્ટિવા ગત તા.22ના રોજ ડીટેઈન કરીને રાખવામાં આવ્યું હતું જે પાંચ દિવસ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતાં પોલીસ ચોંકી ઉઠી હતી અને થયું એવું કે આ અંગે ટ્રાફિક પોલીસે જ ફરિયાદી બનવાનો વારો આવ્યો અને હેડ કોન્સ્ટેબલે અજાણ્યા શખસ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેની તપાસ સિટી-બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હેડ કવાર્ટર ખાતે આવેલા ટોઈંગ સ્ટેશનમાં મોટાભાગે રાત્રિના 9 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસની હાજરી હોય છે ત્યારબાદ હોમગાર્ડ રાત્રિના સમયે પહેરો ભરે છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ હેડ કવાર્ટરમાં થયેલા એક્ટિવા ચોરીમાં એક જવાનની કથિત સંડોવણી હોવાનું પણ સામે આવી રહ્યું છે જો કે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે.