Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં એક યુવક ઝેરી દવા પી ને આવ્યા બાદ આ ઘટનાએ પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી, ત્યારે આ મામલે જામનગર ગ્રામ્ય DYSP કુણાલ દેસાઈએ “my samachar” સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે મૃતક યુવક રાજન નગીનભાઈ સુરાણી(ઉ.વ.23, રહે. રાજકોટ) વિરુદ્ધ આવેલ એક અરજીના કામે જવાબ લખાવવા માટે અને પૂછપરછ માટે ધ્રોલ પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો, અને તે પહોચ્યો હતો, પરંતુ તેના મો માંથી દુર્ગંઘ આવતા પોલીસને શંકા લાગતા તેને પૂછ્યું તો પોતે જણાવ્યું કે તે દવા પી ને આવ્યો છે. જે બાદ ધ્રોલ પોલીસ દ્વારા પ્રથમ તેને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં જામનગર જીજી હોસ્પિટલ ખાતે લઈને પહોચી હતી જો કે જામનગર ખાતે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ કોઈ યુવતી દ્વારા રાજન વિરુદ્ધ ધ્રોલ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી જે અરજીના કામે ધ્રોલ પોલીસે ગઈકાલે બપોરે પૂછપરછ માટે બોલાવ્યો હતો. યુવાન બહારથી જ ઝેરી દવા પી પોલીસ મથકે પહોંચ્યો હતો, ત્યાં જઈ ઢળી પડતા પોલીસે તુરત જ તેના પરિવારજનોને પણ આ અંગે જાણ કરી હતી.હવે આ યુવાને કોઈના દબાણથી આપઘાત કર્યો કે કેમ? તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.