જામ્યુકોના નવા પદાધિકારીઓ કોર્પોરેશનને દોડતું કરી શકશે ?!
સેટઅપ, કચરાકાંડ, ભૂગર્ભગટરની ફરિયાદો અને ખર્ચમાં કરકસર-વેરા વસુલાત જેવા વિવિધ વિષયો ઘણાં સમયથી અનટચ

Mysamachar.in:જામનગર
જામનગરના કરદાતા નગરજનોએ શાસકપક્ષના કોર્પોરેટરોને મતોના થોકડા આપ્યા છે તેથી સ્વાભાવિક રીતે જ મતદાતાઓની પદાધિકારીઓ પાસે ખૂબ જ અપેક્ષાઓ હોય.અને લોકો ઇચ્છતા હોય છે કે, કોર્પોરેશનના પડતર મુદ્દાઓનો વાજબી ઉકેલ આવે. લોકો કહેતાં હોય છે કે, પદાધિકારીઓને મળતી ચેમ્બર અને કાર સહિતની સુવિધાઓ માત્ર શોભા માટે નથી હોતી, પદાધિકારીઓએ નગરજનોને સુવિધાઓનું વળતર પણ આપવું જોઈએ.
જામનગર કોર્પોરેશનમાં કરવા જેવા અને ધ્યાન માંગતા ઘણાં કામો, લાંબા સમયથી પડતર હોય લોકોમાં છૂપો અસંતોષ પણ છે. લોકો ઈચ્છે છે કે, કોર્પોરેશનમાં અનુભવી ઇજનેરો, અધિકારીઓ અને કર્મચારીઓની તાકીદે વાજબી સંખ્યામાં અને નિયમમુજબ ભરતીઓ કરવામાં આવે. ઘણી બધી જગ્યાઓ ખાલી હોવાથી નગરજનોના કામોમાં વિલંબ થાય છે. પણ ક્યારેય લેવી જોઈતી દરકાર આ માટે લેવામાં આવી નથી અને કાર્યરત અધિકારીઓ તથા કર્મચારીઓ પર કામોનું ભારણ વધે છે. સરકારના નિયમો મુજબ કોર્પોરેશનમાં બધી જ ખાલી જગ્યાઓ તાકીદે ભરવી જોઈએ. આઉટસોર્સિંગને હવાલે અમુક મહત્વના કામો સોંપી દેવામાં આવતા કામોની કવોલિટીના પ્રશ્નો ઉભા થતાં હોય છે. ફ્રેશ ઉમેદવારોમાં અનુભવનો અભાવ સમસ્યાઓ સર્જે છે.
કોર્પોરેશનમાં કચરાકાંડ જેવી બાબતો પણ ચિંતાપ્રેરક હોય છે. સોલિડ વેસ્ટ વિભાગ લાંબા સમયથી સાફસૂફી માંગે છે. ડોર ટુ ડોર કચરા કલેકશનને પ્રભાવી બનાવી શકાયું ન હોય, સ્માર્ટ સિટી તરફની દોડ લંગડાતી ચાલે છે ! અને માત્ર નાણાનો વ્યય સોલીડ રીતે થાય છે તેને નવા પદાધિકારીઓ રોકી શકવામાં સફળ થશે કે કેમ..? કરોડો રૂપિયાના ખર્ચથી,દાયકાઓથી ભૂગર્ભ ગટર નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે પરંતુ આ વિભાગને મળતી હજારો ફરિયાદોથી સ્પષ્ટ થાય છે કે, આ શાખામાં પણ બધું બરાબર નથી. ઠેર-ઠેર ગટરો ઉભરાતી હોય છે. ગટરોના ઢાંકણા તૂટેલા હોય છે. આ ગટરોની સફાઈ પણ દમદાર દેખાતી નથી. પદાધિકારીઓએ આવી ઝીણી ઝીણી બધી જ બાબતો પર ધ્યાન આપવું પડે, કારણ કે પદ કાર્યક્રમોમાં ખુરશીઓ શોભાવવા પૂરતાં નથી હોતાં, એમ પણ લોકો કટાક્ષમાં બોલતાં હોય છે.
જામનગર મહાનગરપાલિકા નાણાંખેંચ અનુભવતી હોવા છતાં આડેધડ ખર્ચ કરવામાં માહિર છે એવી લોકોમાં છાપ છે જે નવા વરાયેલ પદાધિકારીઓએ ભૂંસવી પડશે. કોર્પોરેશન કાયમ નાણાંભીડનો સામનો કરતી હોય છે છતાં વેરાઓની વસુલાતમાં ખાસ ધ્યાન અપાતું નથી ! પદાધિકારીઓએ વોચ રાખવાનું શરૂ કરવું પડશે. આ તો માત્ર ઉદાહરણો છે, કોર્પોરેશનમાં કરવા જેવા હજારો કામો છે, પદાધિકારીઓ ધારે તો કરદાતા નગરજનોને વધુ સારી કવોલિટીની સેવાઓ અને સુવિધાઓ વધુ પ્રમાણમાં પૂરી પાડી શકે- જો મનમાં ધારીને એ પ્રમાણે સતત કામ કરે તો.