પૂનમબેન માડમને સૌથી વધુ લીડ મળવાનો રેકોર્ડ ખંભાળિયામાં થશે

કેન્દ્રીયમંત્રી રૂપાલા પણ રહ્યા હાજર

પૂનમબેન માડમને સૌથી વધુ લીડ મળવાનો રેકોર્ડ ખંભાળિયામાં થશે

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાની ખાસ ઉપસ્થિતિમાં વિશાળ વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં પુરુષોત્તમ રૂપાલાએ પણ પોતાના આગવા અંદાજ મુજબ કોંગ્રેસ પર ચાબખા મારીને કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરામાં આપેલા ૭૨,૦૦૦ની વાત ગપગોળો ગણાવીને કોંગ્રેસ પર પ્રહારો કરતા લોકોએ આ વાતને વધાવી લીધી હતી,અને લોકસભાની ચુંટણીમાં ખંભાળિયા વિસ્તારમાં જિલ્લામાં સૌથી વધુ લીડ આપવાની ખાતરી પણ હાજર આગેવાનોએ પુનમબેન ને આપી હતી

ત્યારે સભામાં યુવાનો,મહિલાઓ,ખેડૂતો સહિત તમામ વર્ગના આગેવાનો ઉપસ્થિત રહીને પૂનમબેનની રાજકીય કારકીર્દીમાં સૌથી વધુ લીડથી દિલ્હી મોકલવા માટે સંકલ્પ સાથે આશાવાદ વ્યક્ત કર્યો હતો,સાથોસાથ કોંગ્રેસના અસંખ્ય કાર્યકરો,સરપંચ,વિવિધ સમાજના આગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે,આ સંમેલનમાં હાર્દિક પટેલ પર હુમલાની બાબતે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે અમે જાહેર સભામાં જઈએ છીએ ત્યારે નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યો અને સિદ્ધીઓ જ એટલી છે કે સભા પૂરી થાય ત્યાં સુધી એ સિદ્ધિઓ પુરી કહેવાતી નથી,તો આવા ગંદા રાજકારણમાં અમે ક્યાંથી પડીએ કહીને ઘટનાને વખોડી કાઢી હતી,

લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમે પણ કોંગ્રેસપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસને દર પાંચ વર્ષે ચુંટણી આવે ત્યારે જ લોકોની યાદ આવે છે અને નવા-નવા મુદ્દાઓ કાઢે છે, જ્યારે અમે તો પાંચ વર્ષ લોકોના કામ જ કર્યા છે,તેમનો સમય તો ચૂંટણી પૂરતો જ આવે છે કહી કટાક્ષ કર્યો હતો તથા સાંસદ તરીકે તેમણે ઘર-ઘર સુધી જોડાતા જાગૃત મતદારોની પ્રશંસા કરી હતી તથા પૈસાના કોથળા લઇ નીકળેલા વિપક્ષી ઉમેદવારની ઝાટકણી કાઢતી ટીકા કરીને મતદારો સમજુ હોવાનું જણાવ્યું હતું,સભા સંબોધનમા ખંભાળિયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા દ્વારકા જિલ્લાના સહકારી આગેવાન પી.એસ.જાડેજાએ પોતાનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે જિલ્લાના કોંગ્રેસના સૌથી મજબૂત નેતા ભાજપમાં ક્યારે જોડાઈ ગયા હોય.? નરેન્દ્રભાઈ મોદી તથા ભાજપના વિકાસ કાર્યોથી આકર્ષાઈને જિલ્લાનું સર્વોચ્ચ પદ કોંગ્રેસનું છોડી તેઓ ભાજપમાં આવ્યા તેને ભાજપની લોકપ્રિયતાનું ઉદાહરણ ગણાવ્યું હતું,

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે તેમની તળપદી શૈલીમાં ચૂંટણી એ ભાજપ માટે રાષ્ટ્રની ચૂંટણી છે,તેમ કહીને નરેન્દ્રભાઈ મોદીના હવનમાં મતદાનરૂપી આહુતિ આપવા મતદારોને અપીલ કરીને રિમોટ કંટ્રોલવાળા મનમોહન વડાપ્રધાન તથા ભાયડાછાપ બહાદુર અને સમગ્ર વિશ્વમાં ભારતની અનોખી છાપ ઉભી કરનાર નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો યાદ કરાવ્યા હતા,

પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પાલાભાઈ કરમુર, જામનગરના અગ્રણી પ્રવીણભાઈ માડમ દ્વારા પણ ભાજપ સરકારની કેન્દ્રની તથા ગુજરાત ભાજપની સરકારની વિવિધ યોજનાઓને કારણે ખેડૂતો, વેપારીઓ,શિક્ષણ તથા આર્થિક-સામાજિક પ્રગતિની વિવિધ વાતો ઉદાહરણો આપીને કરી હતી તથા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા,ખંભાળિયામાં થોકબંધ મુસ્લિમ આગેવાનો ભાજપમાં જોડાતા કોંગીની વોટબેંકમાં ગાબડું..

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાની જાહેરસભામાં જ ખંભાળિયા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ કે જેમાં પેટાજ્ઞાતિઓ ૧૮ જેટલી આવે છે તેના પ્રમુખ હુસેનભાઈ ભોકલ તથા ઉપપ્રમુખ રહીમભાઈ ચાકીની આગેવાની હેઠળ આ તમામ જ્ઞાતિના પ્રમુખ તથા હોદ્દેદારોએ ભાજપમાં જોડાતા કોંગ્રેસની વોટબેન્કને મોટું ગાબડું પડ્યું છે,ખંભાળિયામાં ગત વખતે ધારાસભાની લીડ મુસ્લિમ મતોથી જ હતી તે તમામ ભાજપમાં આવી જતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે,આ ઉપરાંત સુન્ની મુસ્લિમ જમાત સાથે પીંજારા,વાઘેર, ઘાંચી વગેરે ૧૮ જમાતોના હોદ્દેદારોએ પણ ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે,

મુસ્લિમ ૧૮ જમાતો ઉપરાંત સીમાણી કાલાવડના સરપંચ અનોપસિંહ જાડેજા, સીદસરાના સરપંચ ચંદ્રસિંહ હકુભા જાડેજા, પીપરડાના ઉપસરપંચ હરદેવસિંહ જાડેજા, ખંભાળિયા કોંગ્રેસના મહામંત્રી જયેન્દ્રસિંહ નાથુભા જાડેજા, બ્રહ્મસમાજના અગ્રણી જીતુભાઈ અસવાર, સેવા સહકારી મંડળીના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, કલ્યાણપુરના કોંગ્રેસના ચંદ્રપાલસિંહ ઉદુભા જાડેજા, માંગટીયાના સરપંચ વિજયસિંહ જાડેજા, ખીજદળના સરપંચ હરિસિંહ જાડેજા વગેરે પણ કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા,કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, મુળુભાઇ બેરા, પૂનમબેન માડમ તથા પબુભા માણેકે આ કાર્યકરોને નેતાઓ હોદેદારોને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને આવકાર્યા હતા,
બપોરના સમયે ભાજપની સભામાં વિશાળ જનમેદની તથા લોકોનો સ્વયંભૂ ઉત્સાહ ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ તરફ હોય કોંગ્રેસી છાવણીમાં રૂપાલાની સભા તથા મુસ્લિમ ૧૮ જમાત તથા સંખ્યાબંધ આગેવાનો સરપંચો ભાજપમાં જોડાતા કોંગીના ગઢમાં ચૂંટણી નજીક છે ત્યારે મોટું ગાબડું માનવામાં આવી રહ્યું છે,

વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમનું સંચાલન ભાણવડના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ખીમભાઈ જોગલએ કર્યું હતું,તથા કાર્યક્રમમાં ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, ગ્રીનકોના ચેરમેન મેઘજીભાઈ કણજારીયા, પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હરિભાઈ વાલજીભાઈ નકુમ, પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુક્લ, સી. આર.જાડેજા, પી.એસ.જાડેજા, મયુરભાઈ ગઢવી,પી.એમ.ગઢવી,ભાજપ જિલ્લા પ્રમુખ કાળુભાઇ ચાવડા, હિતેશભાઈ પિંડારિયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મશરીભાઈ નંદાણીયા,તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઘેલુભા જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ કિશોર મંડપીયા,જિલ્લા મહામંત્રી દિનેશભાઇ દતાણી, અનિલભાઈ તન્ના, નટુભાઈ કુંડલિયા, મનુભાઈ મોટાણી, અમિતભાઈ શુક્લ, ઇન્દ્રજીતસિંહ પરમાર, અશોકભાઈ કાનાણી તથા ખંભાળિયા, ભાણવડ, દ્વારકા તથા કલ્યાણપુરના તમામ ભાજપના મંડળના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.