Mysamachar.in-અમદાવાદ
છેલ્લા કેટલાક દિવસોથી મહતમ તાપમાન 35 ડિગ્રી ઉપર પહોંચી જતાં લોકો ગરમીમાં અકળાઈ રહ્યા છે, તો કયાંક ભારે બફારો શરૂ થઇ ગયો છે. અને ઉનાળો જામવા લાગ્યો છે. વહેલી સવારે ઠંડકનો અહેસાસ થાય છે તો બપોરે બાદ તડકો દઝાડી રહ્યો છે. એવામાં આજે એક આગાહી સામે આવી રહી છે, જે મુજબ પોરબંદર, ગીર સોમનાથ જિલ્લામાં અને દિવમાં હિટવેવની ચેતવણી આપવામાં આવી છે તો બીજી તરફ દાહોદ, પંચમહાલ, મહીસાગર, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન ખાતા દ્રારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
આજે અમદાવાદ ડીસા, રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગર અને મહુવામાં આજે મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર કરી ગયો છે, તો આવતીકાલે પણ ગરમીના પ્રમાણમાં વધારો થશે અને અનેક સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી જશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં એકમાત્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી બે દિવસ માટે હિટ વેવ કન્ડિશન સર્જાશે. તો બીજી તરફ 19 અને 20 માર્ચે પૂર્વ ગુજરાત અને દક્ષિણ પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ પણ જોવાઈ રહી છે.