આ તે કેવો વિકૃત આનંદ, શ્વાનને ગોળી મારી મજા લેતા શખ્સો

જીવદયાપ્રેમીઓએ પગલા લેવાની કરી માંગ

આ તે કેવો વિકૃત આનંદ, શ્વાનને ગોળી મારી મજા લેતા શખ્સો

Mysamachar.in-મોરબી

આ ધટના અહિંસાના આરાધક એવાં ગાંધીજી​ની જન્મ જયંતિના એક દિવસ અગાઉ જ સામે આવી છે. માણસ કેટલી હદ સુધીનો વિકૃત આનંદ લઈ જીવહિંસા કરી શકે તેવી આ દર્દનાક અને ચોંકાવનારી ઘટના ચોક્કસથી છે, જીવદયા અને જીવ હિંસામાં માત્ર વૃત્તિનો જ ફરક હોય છે. લોકો જીવદયા પ્રેમી હોય છે એવું આપણે અવારનવાર સાંભળ્યું અને જોયું છે. પરંતુ સમાજમાં જીવ હિંસાનો વિકૃત આનંદ મેળવનારની પણ ખોટ નથી. રાજયમાં છાશવારે અબોલ જીવો પર અત્યાચાર થયા હોય એવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે જીવદયા પ્રેમીઓ તેના જીવની વહારે થયા હોય તેવું ચોક્કસ બન્યું છે. ગતરાત્રીના હળવદમાં રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે. જેથી હળવદના જીવદયા પ્રેમીઓમાં અત્યંત રોષ ફેલાયો છે અને તેઓએ મૃતક શ્વાનનું પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય કામગીરી હાથ ધરાવાની કાર્યવાહી માટે આગળ આવ્યા છે.

હળવદમાં પોસ્ટ ઓફિસની પાછળથી કોઈ અજાણ્યા ઈસમોએ રાત્રિ દરમિયાન એક શ્વાનને ગોળીથી ફાયરિંગ કરીને નિર્દય રીતે મારી નાંખ્યો છે. આ ચોંકાવનારી ઘટના સામે હળવદના જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. તેઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ધટના સ્થળે પહોંચીને તપાસની પ્રક્રિયા હાથ ધરી હતી. શ્વાનના મૃતદેહને પી.એમ. અર્થે ગાંધીનગર લેબમાં મોકલ્યો છે. આ સાથે જ જીવદયા પ્રેમીઓએ માંગણી પણ કરી છે કે આવા અમાનવીય કરનાર વિકૃત આનંદ લેતાં તત્વોને પકડી પાડી તેમના પર  કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.