વડોદરા સામુહિક આપઘાત કેસ, ખુલાસાઓ કરનાર ભાવિન સોનીનું મોત 

પરિવારના 6 સભ્યોમાં થી 5 ના થયા મોત 

વડોદરા સામુહિક આપઘાત કેસ, ખુલાસાઓ કરનાર ભાવિન સોનીનું મોત 
file image

Mysamachar.in-વડોદરા:

સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર વડોદરાના સોની પરિવારના 6 લોકોના સામુહિક આપઘાતના કેસમાં પહેલા 3 બાદમાં 1 અને આજે 1 વ્યક્તિનું મોત થતા આ ચકચારી કિસ્સામાં કુલ 5 લોકોના મોત થયા છે, જયારે એક મહિલા હજુ સારવાર હેઠળ છે.મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે ભાવિન સોનીનું મોત નિપજ્યું છે. તો ગઈકાલે તેમના માતા દિપ્તી સોનીનું મોત નિપજ્યું હતુ. ભાવિન સોનીના મૃતદેહને લેવા માટે તેમના સ્વજનો પહોંચ્યા છે. સ્વજનોએ તેમના અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મરતા પહેલા ભાવિન પોલીસ દ્વારા લેવાયેલ નિવેદનમાં જ્યોતિષીઓને ઉઘાડા પાડી દીધા હતા, અને 32 લાખની છેતરપીંડી કરનારા જ્યોતિષીઓના નામ પોલીસને આપ્યા હતા. સામૂહિક આત્મહત્યા કેસમાં પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમના પત્ની દીપ્તિ સોની, પૌત્ર પાર્થ સોની અને પુત્રી રિયા સોનીનું મોત થયું હતું. તો પુત્રવધુ ઉર્વી સારવાર હેઠળ છે, જોકે તેમની હાલત ગંભીર છે.

વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે ત્રણ દિવસ પહેલા સામૂહિક આત્મહત્યા કરી હતી. પરિવારના મોભી નરેન્દ્ર સોનીએ આખા પરિવારને કોલ્ડ ડ્રીંકમાં ઝેર ભેળવીને પીવડાવ્યું હતું. જેમાં નરેન્દ્ર સોની, તેમની દીકરી તથા પૌત્રનું મોત નિપજ્યું હતું. પુત્ર ભાવિન સોની, પુત્રવધુ ઉર્વી અને નરેન્દ્ર સોનીના પત્ની દિપ્તી સોનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ભાવિન સોનીની તબિયત સારી હતી,

પરંતુ બંને સાસુ-વહુની હાલત ગંભીર હતી. જેમાં ગઈકાલે દિપ્તી સોનીનું પણ મોત નિપજ્યું છે. દીપ્તિ સોની ઘટના બાદથી વેન્ટિલેટર પર હતા. તો આજે પુત્ર ભાવિન સોનીનું મોત નિપજ્યું છે. આમ, સામૂહિક આપઘાતના મોતનો આંકડો 5 થયો છે.જો કે આ કેસમાં ભાવિન દ્વારા આપવામાં આવેલ નિવેદન ખુબ મહત્વનું બની રહેશે અને લાખોની રકમ ઓળવી જનાર જ્યોતિષીઓ પર ગાળિયો મજબુતીથી કસાઈ શકશે.