Mysamachar.in-અમદાવાદ
આજનો સમય દેખાદેખીનો સમય છે, અને તેમાં પણ યુવાઓમાં તો જાણે ઘેલું લાગ્યું હોય તેવું છે,એવામાં પોતાને જો ગર્લફ્રેન્ડ હોય તો કેટલાય પ્રેમી એવા બોયફ્રેન્ડ ચાંદ તારા તોડી લાવવાની વાતો કરતા હોય છે, પણ અમદાવાદમાં ચાંદ તારા નહિ પણ ગર્લફ્રેન્ડને ખુશ કરવા એકટીવા ગાડીઓની ચોરી કરનાર એક પ્રેમીને પોલીસે ઝડપી પાડ્યો છે, આરોપી તેની ગર્લફ્રેન્ડને ચોરેલા એક્ટીવા પર ફરવા લઇ જાય પછી એક્ટિવાને બીનવારસી મૂકી દેતો હતો. વટવા જીઆઇડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી અનેક ગુનાનો ભેદ ઉકેલતા આરોપીએ ઉંમર કરતા વધારે વાહનો ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે.
વટવા જીઆઇડીસી વિસ્તારમાં એક્ટીવાની ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યુ હતું ત્યારે પોલીસે ચોરને પકડવા માટે એડીચોટીનું જોર લાગવી દીધુ હતું. બે મહિનાની મહેનત બાદ સીસીટીવી ફુટેજના આધારે પોલીસે એક્ટીવા ચોરની રંગે હાથ ધરપકડ કરી છે. વટવા જીઆઇડીસી પોલીસે મુળ યુપીનો અને બાપુનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષિય અસ્લમ ઉર્ફે છોટુ અહેમદ શેખની આઠ ચોરીના એક્ટીવા સાથે ધરપકડ કરી છે. અસ્લમની જેટલી ઉમર થઇ છે તેના કરતા વધુ તો તેણે એક્ટીવાની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. અસ્લમે પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે, તે એક કારખાનામાં નોકરી કરે છે અને તે પોતાની ગલફ્રેન્ડની ઇમ્પ્રેસ કરવા માટે એક્ટીવાની ચોરી કરે છે.
ગલફ્રેન્ડ મળવા માટે આવે ત્યારે તે એક્ટીવા ચોરી કરતો હતો અને ત્યારબાદ તેને અલગ અલગ જગ્યા પર ફેરવીને જ્યારે તે પરત ઘરે જાય ત્યારબાદ એક્ટીવાને બીનવારસી મુકી દેતો હતો. પોલીસ સમક્ષ તેને 15 કરતા વધુ એક્ટીવા ચોરી કરી હોવાની કબુલાત કરી છે. જેમાંથી પોલીસે આઠ એક્ટીવા રીકવર કર્યા છે. એક્ટિવામાં જૂની ચાવી લાગી જતી હોવાથી જ તે એક્ટિવા ચોરી કરતો અને પેટ્રોલ પૂરું થઈ જાય એટલે બિનવારસી મૂકી દેતો હતો.