૪૪ લાખના હેરોઇન-ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

મોટા નેટવર્કનો થશે ખુલાસો?

૪૪ લાખના હેરોઇન-ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

mysamachar.in-રાજકોટ:

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેર નશાના કારોબાર માટે દિવસે-દિવસે બદનામ થઈ રહ્યું હોય  તેમ અસંખ્ય વાર ગાંજાનો મોટો જથ્થો ઝડપાયાના બનાવો તાજા છે,તેવામાં લાખો રૂપિયાના હેરોઇનના જથ્થા સાથે બે શખ્સો ઝડપાતા સનસનાટી મચી જવા પામી છે,

આમ તો રાજકોટ રંગીલા શહેર માટે જાણીતું છે,પરંતુ છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ શહેરમાં અસામાજીક પ્રવૃતિઓએ માજા મુકી હોય તેમ અહીંના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં મોટા પાયે ગાંજાની હેરાફેરીનું નેટવર્ક પોલીસે ઝડપી લઈને યુવાનોને નશીલા પદાર્થના રવાડે ચડાવતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે,

તેવામાં આજે રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે બાતમીના આધારે ગોંડલના સડક પીપરીયા પાસે આવેલ એક દરગાહ નજીકથી બે શખ્સોને અંદાજે ૪૪ લાખના હેરોઇનના ૪૩૯.૮૭ ગ્રામ જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે,હેરોઇનના મોટા જથ્થા સાથે ઝડપાયેલા મહેશ ભોજવીયા અને ઇમ્તિયાઝ દોઢીયા નામના આ બંને શખ્સો  રાજકોટના જ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે અને હાલમાં ઝડપાયેલા આ શખ્સોએ ક્યાંથી હેરોઇન લઈ આવવામાં આવ્યું હતું અને ડ્રગ્સના આ નેટવર્ક પાછળ કોણ સંડોવાયેલા છે તે સહિતની વિગતો ઓકાવા માટે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે,

ત્યારે રાજકોટમાં ઝડપાયેલા હેરોઇનના નેટવર્કનું મોટુ રેકેટ ખુલવાની શંકા સાથે આગામી દિવસોમાં પોલીસ ડ્રગ્સ નેટવર્કનો મોટો ખુલાસો કરે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે,

અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર નજીક આવેલ સોડસલા ગામની સીમમાંથી અમદાવાદ એ.ટી.એસ.ની ટીમે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરીને તાજેતરમાં જ અંદાજે ૧૫ કરોડની કિંમતના હેરોઇનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.

જેમાં ચાર શખ્સોની ધરપકડ બાદ કાશ્મીર સુધી આ હેરોઇન નેટવર્કના તાર પહોંચતા મંજૂર અહેમદ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી,ત્યારે રાજકોટથી ઝડપાયેલા અંદાજે ૪૪ લાખના હેરોઇન પ્રકરણની પગેરુ ક્યાં નીકળે તે પોલીસની ઉંડી તપાસ બાદ જ ખ્યાલ આવશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.