કારખાનામાં બે શખ્સો છાપતા 200, 500 અને 2000 ની નોટ…આ રીતે વટાવી દેતા 

જો કે પોલીસને બાતમી મળી ગઈ અને...

કારખાનામાં બે શખ્સો છાપતા 200, 500 અને 2000 ની નોટ…આ રીતે વટાવી દેતા 

Mysamachar.in-રાજકોટ:

નવી ચલણી નોટો જયારે બજારમાં આવ્યા બાદ ભેજાબાજ શખ્સો તે નોટો  પણ ડુપ્લીકેટ બનાવી અને બજારમાં ફરતી કરી રહ્યા હોવાનો વધુ એક કિસ્સો રાજકોટમાં સામેં આવ્યો છે, પૈસાની ખેચ દુર કરવા શોર્ટકટ અપનાવવો બે શખ્સોને હવે ભારે પડી ગયો કે કારણ કે નકલી નોટોની બાતમી રાજકોટ ક્રાઈમ બ્રાંચને મળી જતા પોલીસે બાતમીને આધારે કારખાનામાં દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યા છે,


રાજકોટના વાવડીમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલા જોબવર્કના કારખાનામાં બે શખ્સો પૈસાની ખેંચ દૂર કરવા છેલ્લા દોઢ વર્ષથી જાલી નોટ છાપતા હોવાની બાતમી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી.જ્યાં દરોડો પાડતા જાલીનોટ છાપવાનું કારસ્તાન ઝડપી લીધુ હતું. પોલીસે 200, 500 અને 2000ના દરની 27 નકલી નોટ કબ્જે કરી હતી. સાથોસાથ બંને કારખાનેદારની પણ ધરપકડ કરી હતી. નકલી નોટ છાપી બંને શખ્સો છૂટક રીતે સાંજના સમયે જ મોટી ઉંમરના ફેરિયાઓને વટાવતા હતા.


 
મેંદરડાનો વતની અને હાલ રાજકોટ રહેતો પિયુષ બાવનજીભાઇ કોટડીયા અને માણાવદરનો વતની અને હાલ રાજકોટ રહેતો મુકુંદ મનસુખભાઇ છત્રાળા નામના બંને કારખાનેદારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કારખાનામાં જાલીનોટો ઉપરાંત વિદેશી દારૂની 36 બોટલ પણ મળી આવતાં તે અંગે અલગથી ગુનો નોંધાયો છે. આ બંને શખ્સ પોતાની પૈસાની ખેંચ દૂર કરવા નકલી નોટો છાપવાના રવાડે ચડ્યા હતાં. દોઢ વર્ષ પહેલા આવો વિચાર આવતાં કલર પ્રિન્ટર કમ ઝેરોક્ષ મશીન લાવ્યા હતાં અને નોટો છાપવાની શરૂઆત કરી હતી. નકલી નોટો છાપ્યા બાદ ફેરીયાઓ અને એ પણ મોટી વયના હોય તેની પાસેથી થોડી ઘણી વસ્તુ ખરીદી નકલી નોટ આપી દેતા હતાં અને બાકી બચે તે અસલી ચલણ પાછુ મેળવી લેતાં હતા અને આવું તે દોઢેક વર્ષથી કરી રહ્યાની કબુલાત આપી છે તો મળી આવેલ દારૂની બોટલો અંગે અલગથી ગુન્હો નોંધવામાં આવ્યો છે.


 
પોલીસે  સ્થળ પરથી એક પ્રિન્ટર રૂપિયા 2000ના દરની 20 નોટ, 500ના દરની 1 નોટ જ્યારે કે રૂપિયા 200 ના દરની 6 નકલી નોટો ઝડપી પાડી છે. તો સાથે જ બે રાઈટિંગ પેડ, સેલોટેપ, કલર, ફૂટપટ્ટી, રોકડ રકમ, બે ફોન અને રો મટીરીયલ સહિત 21,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.