જીજી હોસ્પિટલના બે તબીબોએ 'પગ પર કુહાડી મારી'.......

ચાલુ ઓપરેશનને દર્દી સાથેના ફોટા સોશિયલ મીડિયામાં મૂકયા !

જીજી હોસ્પિટલના બે તબીબોએ 'પગ પર કુહાડી મારી'.......

Mysamachar.in:જામનગર

જામનગરની જીજી હોસ્પિટલ એક એવું જાહેર સ્થળ છે જયાંથી થોડા થોડા સમયે સારાનરસા સમાચારો બહાર આવતાં રહે છે. આ પ્રકારના એક વધુ સમાચાર જાહેર થયા છે, જે દર્શાવે છે કે કેટલાંક તબીબો પ્રસિદ્ધીનો મોહ ટાળી શકતાં નથી. આ તબીબોએ પોતાના જ પગ પર 'કુહાડી' ઝીંકી છે ! હોસ્પિટલના સર્જરી વિભાગમાં એક મહિલાના મગજનું ઓપરેશન ચાલી રહ્યું હતું. તે દરમિયાન આ મહિલાનું મગજ ખોલેલી સ્થિતિમાં હતું. તે સમયે બે તબીબોએ આ દર્દી પાસે ઉભા રહી તસ્વીરો ખેંચાવી અને આ ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં, આ ફોટા વાયરલ થયા. આ ફોટા વાયરલ થતાં ચર્ચાઓ ઉઠી કે, તબીબોનું આ કૃત્ય નિયમોનો ભંગ છે.

સર્જરી વિભાગના ઓપરેશન થિયેટરમાં આ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે ન્યૂરોના તબીબો ઉપરાંત ડો. ઈશ્વર અને ડો. પ્રતિક ઓપરેશન થિયેટરમાં હતાં. આ આખો મામલો ચર્ચાસ્પદ બનતાં ડીન ડો. નંદિની દેસાઈએ મીડિયાકર્મીઓને જણાવ્યું છે કે, સર્જરી વિભાગમાં લાંબા સમય બાદ ન્યૂરો સર્જરીના ઓપરેશનનો આ કેસ આવતાં તબીબોએ પોતાની કામની ખુશી વ્યક્ત કરવા આમ કર્યું હોય શકે છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પરંતુ આ બાબત સંસ્થાકીય નિયમોના ભંગ સમાન હોય, જરૂરી કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, દર્દીની સંમતિ વિના કોઈ પણ તબીબ દર્દીના ફોટા કે તેના કેસ પેપર પ્રકાશિત કરી શકે નહીં. અને મગજના ઓપરેશન જેવી ગંભીર ઘટના સમયે તબીબોએ જે રીતે આ કેસમાં પોતાની પ્રસિદ્ધીની ઘેલછા વ્યક્ત કરી છે, તેની ટીકાઓ થઈ રહી છે.