Mysamachar.in-અમદાવાદ
આજના સમયમાં પુરા પૈસા આપ્યા બાદ કઈ વસ્તુ સાચી અને કઈ વસ્તુ ડુપ્લીકેટ મળે છે તેનો ખ્યાલ જ્યાં સુધી પર્દાફાશ ના થાય ત્યાં સુધી સામે આવતું નથી, કેટલીકવાર દૂધ, કેટલીકવાર મીઠાઈ તો ક્યારેક ઘી અને હવે નકલી તેલના કૌભાંડનો પર્દાફાશ અમદાવાદમાં થયો છે, લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના આ રેકેટનો પર્દાફાશ થયો છે, તગડો નફો કમાવવા માટે સનફ્લાવર તેલનાં નકલી સ્ટીકર બનાવીને તેલનાં ડબ્બા પર લગાવી ગ્રાહકોને સનફ્લાવર તેલના બદલે નકલી તેલ આપી છેતરપિંડી કરતા વેપારી ઝડપાયા છે.
અમદાવાદ શહેરના નારણપુરા પોલીસે વિક્રમ ચૌધરી, મહેશ પટેલ, શૈલેષ મોદી અને અજીત પટેલની ધરપકડ કરી છે. આ તમામે પૈસા કમાવવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યાનું સામે આવે છે, લોકોની તંદુરસ્તીમાં વધારો કરતા સનફ્લાવર તેલનાં અદાણી વિલમાર કંપનીનાં ફોર્ચ્યુન સનફફ્લાવરનું સ્ટીકર લગાવી સનફ્લાવર તેલના બદલે સોયાબીનનું તેલ લોકોને પધરાવતા હતા. સનફલાવર તેલનાં ડબ્બા જેટલી જ કિંમત લઈને કંપની અને લોકો સાથે ઠગાઈ આચરતા હતા. નારણપુરા પોલીસે 45 હજારથી વધુની કિંમતનાં 16 તેલનાં ડબ્બા ઝડપી 4 શખ્સોની ધરપકડ કરી છે.
નારણપુરા વિસ્તારમાં આવેલા આકાશ ફ્લેટ્સ, પરિશ્રમ ટાવર પાસે આવેલા તિરુપતી પ્રોવિઝન સ્ટોરમાં ફોર્ચ્યુન બ્રાન્ડનાં સનફ્લાવર તેલનાં ડુપ્લીકેટ ડબ્બા ઝડપાયા છે. તેવી હકીકતના આધારે પોલીસે રેડ કરીને તપાસ કરતા દુકાનમાં વિક્રમ ચૌધરી નામના વેપારી પાસેથી 5 ડબ્બા ઝડપી લીધા હતા. આરોપીને પકડી તેણે આ તેલનાં ડબ્બા કોની પાસેથી મંગાવ્યા છે તે તપાસ કરાતા તેણે શૈલેષ મોદી પાસેથી લીધા હોવાનુ કબુલ્યું હતું. જે બાદ વેપારીએ શૈલેષ મોદીને ફોન કરીને બીજા તેલનાં ડબ્બાઓ મંગાવતા શૈલેષ મોદી અને પ્રવિણ વાઘ નામનાં બે ઈસમો લોડિંગ રિક્ષામાં 11 ડબ્બાઓ લઈને આવતા પોલીસે તેઓની પણ ધરપકડ કરી હતી.
તમામ આરોપીઓને પૂછપરછ કરતા તેમણે આ તેલનાં ડબ્બા ઓઢવના મહેશ પટેલ અને અજીત પટેલ પાસેથી મંગાવ્યા હોવાનું કબુલ્યું નારણપુરા પોલીસે આ મામલે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યુ કે ઓઢવના મહેશ પટેલ નામનો આરોપી શ્રી ગણેશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની પરવાનગી લઈને પોતાની ફેક્ટરીમાં ડબ્બામાં સોયાબીન તેલ નાખી તે ડબ્બા પર ફોર્ચ્યુન સનફ્લાવર તેલના લોગોનું સ્ટીકર લગાવી શહેરમાં અલગ અલગ વેપારીઓને વેચાણ માટે આપતો હતો. પોલીસે કોપીરાઈટ અને ઠગાઈની કલમો હેઠળ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુન્હામાં અન્ય કેટલાકની સંડોવણી ખુલે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.