આજે કારગીલ વિજય દિવસ, હાલારના યુવાન રમેશ જોગલ પણ થયા હતા શહીદ..

ભારતના જવાનો હંમેશા સરહદોએ ખડેપગે છે અને જરૂર પડ્યે  રાષ્ટ્ર માટે ન્યોછાવર થઇ જાય છે

આજે કારગીલ વિજય દિવસ, હાલારના યુવાન રમેશ જોગલ પણ થયા હતા શહીદ..
file image

Mysamachar.in-જામનગર:

આજે કારગીલ વિજય દિવસે હાલારના આશાસ્પદ યુવાન  શહીદ થયા તે રમેશ જોગલ એ હાલારને ઉજળુ કર્યુ તેમને સો સો સલામ કરવાનુ મન થાય તે સ્વાભાવિક છે, આપણે સૌ જાણીએ છીએ કે ભારતના જવાનો હંમેશા સરહદોએ ખડેપગે છે અને જરૂર પડ્યે રાષ્ટ્ર માટે ન્યોછાવર થઇ જાય છે, ત્યારે ભારતીય સેનાએ 20 વર્ષ અગાઉ દુનિયાની સૌથી મુશ્કેલ જંગ જીતીને દુનિયાને પોતાનો તાકાત બતાવી હતી. ભારતીય સૈનિકોએ નાપાક ઈરાદા સાથે આવેલા પાકના સેંકડો જવાનોનો ખાત્મો કર્યો હતો. આ ઐતિહાસિક યુદ્ધમાં ભારતે પણ અનેક વીર સપુતોને ગુમાવ્યા હતા. જેમાં ગુજરાતના 12 જવાનોએ કારગિલ યુદ્ધમાં શહિદી વ્હોરી હતી. તેમાં દેવભૂમિ દ્વારકાના સપુત વીર શહિદ રમેશ જોગલએ પણ માં ભોમની રક્ષા કાજે પોતાના જીવનું બલીદાન આપ્યું હતું

દેશ આજે કારગિલ વિજય દિવસ 2021 ઉજવી રહ્યું છે, કારગિલના યુદ્ધમાં ગુજરાતનાં 12 જવાનો શહિદ થયા હતા, 1999માં મે-જૂન મહિનામાં 17000 ફૂટની ઊંચાઈ પર કારગિલની પહાડીઓની ટોચ પર દુશ્મન દેશના ઘૂસણખોરો ઘૂસી ગયાં હતા. યુદ્ધના મેદાનમાં જો દુશ્મન ટોચ પર હોય તો તે તમને સરળતાથી જોઈ શકે છે. આથી, તમારી રણનીતિ નિષ્ફળ થઈ જતી હોય છે, પરંતુ આમ છતાં પણ દુશ્મન તેનો લાભ લઈ શક્યા નહીં. કારગિલના યુદ્ધ દરમિયાન દુશ્મન દેશના કેટલાય સૈનિકોને મારવામાં આવ્યા હતા. જ્યારે આ લડાઈમાં 500થી વધું ભારતીય જવાનોએ માં ભોમની રક્ષા કાજે શહાદત વ્હોરી હતી. જેમાં ગુજરાતના 12 જવાનોએ પણ કારગિલ યુદ્ધમાં શહીદી વ્હોરી છે. જેમાં ગુજરાતના સૌથી નાની 19 વર્ષની વય ધરાવતા વીર શહિદ રમેશ જોગલ કારગિલ લડાઈમાં શહીદ થયા હતા. શહીદ વીર રમેશકુમાર જોગલની વાત હાલારની ધીંગી ધરામાં ઘણા સાવજ જન્મ્યા છે. તેવા જ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના વિક્રમભાઈ અને જશીબેન જોગલનો દીકરો રમેશકુમાર વિક્રમભાઈ જોગલ, કે તેમણે ફક્ત પાંચ વર્ષની નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાના અકાળે મૃત્યુ બાદ મોટા દીકરા હમીરભાઈએ મજૂરી કરીને 2 ભાઈઓને ભણાવી-ગણાવી પગભર કરવાનું બીડું ઉઠાવ્યું હતું. 

મેવાસા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોના માનીતા અને સૌથી હોનહાર વિદ્યાર્થી તરીકે રમેશની ગણના કરવામાં આવતી હતી, સૈન્યમાં આર્ટીલરી ટ્રેડ મળ્યો બાળ રમેશને પહેલાથી જ સૈન્યના ગણવેશ પ્રત્યે ખુબ જ લગાવ હતો. આથી મોટા હમીરભાઈને કહેતો કે “ભાઈ, મારે આ ગણવેશ પહેરવો જ છે.” આ બાદ, તે તેના સપના પાછળ દોડતો થયો અને આખરે 1990ના એપ્રિલ મહિનામાં રમેશ જોગલ સૈન્યમાં જોડાયા હતા. આર્ટીલરી તાલીમ મથક નાસિક ખાતે તેને આર્ટીલરી ટ્રેડ મળ્યો હતો. ટ્રેનિંગમા ખૂબ સાહસિક બધાથી આગળ અને ફાયરિંગમા પહેલા નંબર પર મેડલ મેળવીને ટ્રેનિંગ પાસ કરી હતી. આ બાદ રજા મળતા જ તે 2-4 દિવસ રજા પર માંડ આવ્યો હતો, ત્યા તો યુદ્ધના ડંકા વાગ્યા અને સમાચાર મળતા પોતાના સામાન પેક કરીને માતા અને પિતા તુલ્ય મોટાભાઈને પગે લાગીને આજીજી કરીને કહ્યું હતું કે, માં મારે માં ભોમના રક્ષણ કાજે હવે મારે જવુ જ પડશે, અરે આજના જાવ તોતો તારા ધાવણને કલંક લાગે, આથી રાત્રે જ ટ્રેનમાં બેસીને 141 બટાલિયનમાં હાજરી આપી હતી.

રમેશ જોગલ સાહસિક હોવાથી તોપ પર બહાદુર યુવાનને સ્થાન આપવામાં આવે છે.સામી છાતીએ લડી દુશ્મનોને ધુળ ચખાડી કારગિલ યુદ્ધ સમયે સેનાના મુખ્યાલય મતીયાન ખાતે એક સુરક્ષિત બંકર અંદર ઉભુ કરવામાં આવેલું હતું. જનરલ ઓફિસર કમાન્ડિંગ ત્યાં રહીને સમગ્ર યુદ્ધ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. ભારતના અટેક પ્લાન આ મુખ્યાલયના ઓપરેશન રૂમમાં જ ઘડાઈ રહ્યા હતા. આહિર પુત્ર વીર રમેશ જોગલની ‘પાપા’ બેટરી આ મતીયાન ગામમાં સ્થિત હતી. રમેશ જોગલનું યુનિટ 141 ફિલ્ડ રેજીમેન્ટ, 121 ઈન્ફેન્ટ્રી બ્રિગેડનું ડાયરેક્ટ સપોર્ટ યુનિટ હતું. તેમના યુનિટના શિરે યુદ્ધના શરૂઆતના સમયથી જ દ્રાસ, કાક્સર અને બટાલિક સેક્ટર ખાતે દુશ્મનને આગળ વધતો રોકવાની, તેમજ દુશ્મનને ખસેડવાની જવાબદારી હતી. 141 ફીલ્ડ રેજીમેન્ટ પર દુશ્મન પોઝિશન પર હુમલો કરવાની સાથે સાથે મુખ્યાલયની સુરક્ષાની બેવડી જવાબદારી હતી. મતીયાનથી તેઓ સતત તોલોલીંગ અને ટાઈગરહિલ આ બન્ને પોઝિશન પર ગોળાઓ વરસાવી રહ્યાં હતા આ હતી 14 જૂન 1999ના રોજની સ્થિતિ મતીયાનના એ વિસ્તાર પર દુશ્મને ગજબનાક ભારે તોપમારો શરૂ કરી દીધો. દુશ્મન ઉંચાઈએ હોવાને કારણે રમેશ જોગલની બેટરી તોપો પણ દુશ્મનના વેપન લોકેટિંગ રડારમાં આવી ચૂકી હતી. આથી પરિસ્થિતિ વિકટ બની રહી હતી. પ્રધાનમંત્રીના ઉદ્દબોધન માટે એકઠા થયેલા સૈનિકોને તરત જ નજીકના પર્વતોની આડશ લેવાનું કહેવામાં આવ્યું હતુ, આમ દેશને કાજ સહાદત વહોરનાર આ વિરલા માટે તેના પરિવાર સમાજ ઉપરાંત સૌ હાલારવાસીઓ અને દેશવાસીઓને આજે પણ એટલું જ માન સન્માન અને ગૌરવ છે.

હાલારના આ વીર સપુતની સાથે સાથે દેશના દરેક શહિદોને પણ દિવ્યાજલી પાઠવી સો સો સલામ...