જિલ્લા પંચાયતમાં હજારો ફાઈલો ભરેલ પોટલાંને પગ આવ્યા !

સમગ્ર પ્રકરણને દિવસો વીતી ગયા પછી પણ કોઈની આકરી પૂછપરછ થવા પામી નથી !!

જિલ્લા પંચાયતમાં હજારો ફાઈલો ભરેલ પોટલાંને પગ આવ્યા !
File image

Mysamachar.in:જામનગર

જામનગર જિલ્લા પંચાયત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે. તંત્ર મોટું હોવાને કારણે વિવાદો થતાં રહે એમાં જવાબદારોને, ખાસ કરીને ચૂંટાયેલી પાંખને કશી નવાઈ લાગતી નથી ! તેઓ વિવાદોને ગંભીર લેખતા નથી !! જિલ્લા પંચાયતમાં શાસન કોઈ પણ પક્ષનું હોય, પંચાયતનો રેકર્ડ એવો રહ્યો છે કે કારીગરો સમયાંતરે કળાઓ કરતાં જ રહે છે ! નવાઈની વાત એ છે કે, પ્રજાનાં નાણાંથી મોજ કરતાં તત્વોનો જિલ્લા પંચાયતમાં વાળ પણ વાંકો થતો નથી ! અધિકારીઓ કે ચૂંટાયેલા રખેવાળો જિલ્લા પંચાયતને કાર્યશીલ કે નિષ્ઠાવાન બનાવી શકયા નથી એવું અત્યાર સુધી જોવા મળ્યું છે ! હમણાં હમણાં એક નવી વ્યવસ્થા જોવા મળે છે, જિલ્લા પંચાયતમાં વહીવટ માટે પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી હોવા છતાં મંત્રીએ વારંવાર જિલ્લા પંચાયત જવું પડે છે !

જીલ્લા પંચાયતની ઇલેક્ટ્રિક વિભાગમાંથી તાજેતરનાં મહિનાઓમાં સંખ્યાબંધ ફાઈલો પગ કરી ચૂકી હોવાનું છડેચોક ચર્ચાઈ રહ્યું છે છતાં જવાબદારો વિરુદ્ધ ન તો ફરિયાદ થઈ છે, ન તો કોઈની આકરી પૂછપરછ થવા પામી છે ! જો કે હવે પોલીસ ફરિયાદની દિશામાં મામલો આગળ ધપ્યો છે.

-જિલ્લા પંચાયત પ્રમુખ શું કહે છે ?

Mysamachar.in દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેઓએ હળવાશથી એમ પણ કહ્યું કે, આવડો મોટો વહીવટ છે, 422 ગામોનો વહીવટ છે એટલે જિલ્લા પંચાયતમાંથી વિવાદો અને સમાચારો તો નીકળતાં રહે ! જિલ્લા પંચાયતનું રેકર્ડ ગૂમ થવાનાં મામલામાં તેઓએ કહ્યું કે, આ અંગે તપાસ કરવામાં આવશે. રાત્રિનાં સમયે જિલ્લા પંચાયત ખાતે ચોકીદારીનું કામ સંભાળતા લોકો તથા જે વિભાગમાંથી ફાઈલો ગૂમ થયાનું કહેવાય છે એ વિભાગનાં જવાબદારોની જરૂરી પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, ગત્ 31 માર્ચ પહેલાં આ બન્યું હોવાનું જાણવા મળ્યું છે. અને ગૂમ થયેલી ફાઈલોમાં જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ફાઈલો હોવાનું માનવામાં આવે છે.

-જિલ્લા વિકાસ અધિકારી શું કહે છે ?

Mysamachar.in સાથેની વાતચીતમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું છે કે, આ મુદ્દે જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર કે.બી. છૈયાને જરૂરી સૂચનાઓ અને જરૂર પડ્યે પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

-જિલ્લા પંચાયત વર્તુળો શું કહે છે ?

જામનગર જિલ્લા પંચાયતનાં પંચાયત ભવનમાંથી સંખ્યાબંધ ફાઈલો ઉપાડી ગયાના પ્રકરણ સંબંધે એક ઉચ્ચ અધિકારીએ ઔપચારિક વાતચીતમાં Mysamachar.in જણાવ્યું છે કે, પંચાયત ભવનનાં ગ્રાઉન્ડ ફ્લોર પર પંચાયતનો રેકર્ડ રૂમ આવેલો છે જેમાંથી અંદાજે દસેક હજાર જેટલી ફાઈલો પંચાયત ભવનનાં દરવાજા બહાર લઈ જવામાં આવી હોવાનું જાણવા મળે છે ! જે શખ્સ આ ફાઈલો ઉઠાવી ગયેલ છે તેણે ફરજ પરનાં સિક્યોરિટી કમ ચોકીદારને ધમકાવીને આ કૃત્ય પાર પાડ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, થોડાં દિવસો પહેલાં જિલ્લા પંચાયતના ઈલેક્ટ્રીક વિભાગનાં એક કર્મચારીને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. ત્યારબાદ ફાઈલો ગૂમ થયાનો આ મામલો બહાર આવ્યો છે. આ મુદ્દે વિધિસરની પોલીસ ફરિયાદ આજે સોમવારે સાંજ સુધીમાં કરવામાં આવશે એમ પણ વર્તુળો જણાવે છે.

-ડીડીઓના હુકમ બાદ ફરિયાદ કરવા ગયેલ અધિકારીને પોલીસ અધિકારીએ કહ્યું કે...

સામાન્ય રીતે પોલીસને કોઈ કિસ્સાઓમાં ફરિયાદ ના લેવી હોય તો અરજદારોને યેનકેન પ્રકારે પટ્ટી પઢાવી દે છે, પણ આવું સરકારી વિભાગના અધિકારીઓ સાથે થાય તો તે બાબત કેટલી ગંભીર લેખી શકાય...ખુદ ડીડીઓના હુકમ બાદ ફરિયાદ કરવા ગયેલ નીચલા અધિકારીઓને પોલીસ અધિકારીઓએ જાણવાજોગ લેવાની વાત કરી ઉલટ તપાસ કરવા જેવો માહોલ બનાવ્યો હતો...