ભાણવડના રોઝડા ગામે છે...ક પોરબંદરથી જુગાર રમવા જુગારીઓ આવતા હતા...

દ્વારકા જીલ્લામાં દારૂ જુગારની બદી બેફામ

ભાણવડના રોઝડા ગામે છે...ક પોરબંદરથી જુગાર રમવા જુગારીઓ આવતા હતા...
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃતિઓએ માજા મૂકી છે, ઠેર ઠેર જુગાર અને દારૂ એ આ જીલ્લા માટે કોઈ નવી બાબત નથી, એવામાં ભાણવડના રોઝડા ગામે ગત્ રાત્રીના સમયે સ્થાનિક પોલીસ સ્ટાફે ધમધમતું જુગારધામ પકડી પાડ્યું હતું. આ જુગારના અખાડા સાથે નવાઈની વાત એ છે કે અહી જુગારીઓ છે...ક પોરબંદરથી જુગાર રમવા આવતા હતા, ભાણવડથી આશરે 25 કિલોમીટર દૂર રોઝડા ગામની કરાર સીમ વિસ્તારમાં સ્થાનિક પોલીસે ચોક્કસ બાતમીને આધારે રાત્રીના ત્રણેક વાગ્યાના સમયે જુગાર અંગે દરોડો પાડ્યો હતો. રોઝડા ગામના અમૃતલાલ રવજીભાઈ થાનકી નામના શખ્સે પોતાની માલિકીની વાડીના રહેણાંક મકાનને પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, બહારથી માણસો એકત્ર કરી ગંજીપત્તા વડે તીનપતીનો જુગાર રમાડાતો હોવાનું પોલીસને માહિતી મળતા.

આ સ્થળે પોલીસે દરોડો પાડી પોરબંદરના બોખીરા ગામના રાજુ નગીનભાઈ ઓડેદરા, સાજીદ હુસેનભાઈ વસા, લખમણ કાનાભાઈ ગોઢાણિયા, ભરત ભીમાભાઈ ખિસ્તરીયા, વિજય અરજણભાઈ સુંદરવડા, માંડણ પુંજાભાઈ ગોઢાણિયા, મનીષ રાજુભાઈ ખિસ્તરીયા, ગીગા માંડણભાઈ ઓડેદરા, ખીમા વાનાભાઈ ગોઢાણીયા, અને વિજય મુળુભાઈ ઓડેદરા નામના દસ શખ્સોને ઝડપી લીધા હતા.ઝડપાયેલા  શખ્સો પાસેથી પોલીસે કુલ 75,500 રોકડા તથા  7 હજારની કિંમતના આઠ નંગ મોબાઇલ ફોન અને 85 હજારની કિંમતની 7 નંગ મોટરસાયકલ મળી કુલ 1,67,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જો કે વધુ આશ્ચર્યની વાત એ પણ રહી કે આ દરોડા દરમિયાન વાડી માલિક અમૃતલાલ રવજીભાઈ થાનકી આ સ્થળે મળી ન આવતા પોલીસે તેને હાલ ફરાર ગણી, તેની શોધખોળ હાથ ધરી છે.