આ શખ્સો પહેલા ATM સેન્ટરમાં સ્વિચ બંધ કરી અને પછી..

બેંકનાં ATMમાં ખેલ કરતા બે શખ્સોને બેંકે વોચ ગોઠવી પકડ્યા

આ શખ્સો પહેલા ATM સેન્ટરમાં સ્વિચ બંધ કરી અને પછી..
symbolic image

Mysamachar.in-વડોદરા

જેમ જેમ ટેકનોલોજીનો વ્યાપ વધતો જાય છે તેમ તેમ તેનો દુરપયોગ કરનાર ભેજાબાજોની સંખ્યા પણ વધી રહી છે, એવામાં બરોડામાં કેનેરા બેંકનાં એટીએમ સેન્ટરમાંથી થોડા સમય પૂર્વે રૂા.15 લાખથી વધુ નાણાં ચાંઉ થયાં હતાં. જો કે સામે એવું આવ્યું કે ભેજાબાજો એટીએમમાં કાર્ડ નાખી ટ્રાન્ઝેક્શન કરતી વેળા મશીન બંધ કરી નાણાં લઈ લેતાં હતાં. શહેરના વાસણા-ભાયલી રોડ પર રહેતા અને સમતા ચાર રસ્તાની કેનેરા બેંકના બ્રાંચ મેનેજરે ગોરવા પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું છે કે 5 ઓક્ટોબરે બેંગ્લોર ખાતેની હેડ ઓફિસથી ઇ-મેલ દ્વારા જણાવાયું હતું કે તેમની બેંકના એટીએમમાંથી શંકાસ્પદ ટ્રાન્જેક્શન થઈ રહ્યાં છે.

જેથી તેઓ તથા તેમની ટીમે સીસીટીવી કેમેરાની મદદથી વોચ રાખી ફૂટેજના આધારે શંકાસ્પદ ગતિવિધિઓ અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં 3 જેટલા શંકાસ્પદો નજરમાં આવ્યા હતા. એટીએમ મશીનમાં નાણાં ન હોવા છતાં 3 શખ્સો શંકાસ્પદ પ્રવૃત્તિ કરતાં જણાતાં મેનેજર અને ટીમે એટીએમ ખાતે પહોંચી તેમને ઘેરી લેતાં 3 પૈકીનો એક ફરાર થયો હતો, હરિયાણા મેવાતના શાહુકાર મહેમુદખાન પઠાણ અને જાવેદખાન પઠાણ હોવાનું પુછપરછમાં કહ્યું હતું.જ્યારે ફરાર શખ્સ વિશે તેઓ જાણતાં નહીં હોવાનું જણાવ્યું હતું.

બનાવ સંદર્ભે બેંક મેનેજરે જાણ કરતાં પોલીસે બંનેની અટકાયત કરી હતી. બેંક અનુસાર એટીએમ સેન્ટરમાંથી રૂા. 15 લાખ ઉપાડ્યા છે. ઝડપાયેલા આ શખ્સો એટીએમ સેન્ટરમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ નાખી ટ્રાન્ઝેક્શન કરતા હતા. ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા શરૂ થતાં જ તેઓ ડુપ્લિકેટ ચાવીના ઉપયોગથી મશીનના બોક્સને ખોલતા હતા. જે સમયે નાણાં આવે કે તરત જ મશીનને બંધ કરતા હતા. જેના કારણે નાણાં મળી જાય, પરંતુ તે ટ્રાન્ઝેક્શન અટક્યું હોવાથી તેનો કોઈ રેકોર્ડ ન રહે આમ આવી અનોખી ઠગાઈ કરી નાણા ઉઠાવી લેતા ત્રણ શખ્સો સામે હાલ તો પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ આ મામલે વિશેષ તપાસ કરી રહી છે.