Mysamachar.in-જામનગર:
ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી છેલ્લા કેટલાય દિવસોથી લાખોમાં નહિ પણ કરોડોની જેની કીમત ગણાય છે તેવા મોંઘાદાટ ડ્રગ્ઝ મળી આવવાનો સિલસિલો ચાલુ છે, એવામાં આજે ગુજરાત એ.ટી.એસ. ખાતે નોંધાયેલ NDPSના ગુનામાં વધુ 10 કરોડના હેરોઇનનો જથ્થો જામનગરમાં બેડી રોડ પર અવાવરું જેવી જગ્યામાં છુપાવેલ હોય તે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અને મોરબીમાં જે ડ્રગ્ઝનો જથ્થો ઝડપાયો હતો તેના તાર છેક જામનગર સુધી નીકળ્યા છે.
ગત તા. 21/11/2021 ના રોજ એ.ટી.એસ. દ્વારા નોંધવામાં આવેલ ગુન્હામાં વધુ 4 આરોપીઓની અટક કરવામાં આવેલ તથા તેઓના રીમાન્ડ લેવા માટે નામદાર કોર્ટમાં રજુ કરતા, નામદાર કોર્ટે દિન 10 ના રીમાન્ડ મંજુર કરેલ. આ પકડાયેલ આરોપીઓની રીમાન્ડ દરમ્યાન પૂછપરછ કરતા જાણવા મળેલ કે પકડાયેલ આરોપી રહીમ હાજી અકબર રહે. ગામજોડીયા, મોટા વાસ, બંદર રોડ, તા.જોડીયાએ આ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી અનવર ઉર્ફે અનુ મુસ્સાભાઇ પટેલીયાની સાથે બોટ લઈ જખોના દરીયામાંથી હેરોઇનનો જથ્થો લાવેલ હતો. આ જથ્થામાંથી અમુક જથ્થો રહીમહાજીએ પોતાની પાસે સંતાડી રાખેલ હોવાનું જણાવતા એ.ટી.એસ.ની ટીમે જામનગર એસઓજીના પી.આઈ.એસ.એસ.નીનામા સહિતની ટીમને સાથે રાખી રહીમ હાજીના જણાવ્યા મુજબ તેને સાથે રાખી જામનગર બેડી રોડ ખાતેથી વધુ 2 કીલો હેરોઇનનો જથ્થો શોધી કાઢી તપાસાર્થે કબજે કરેલ છે, જેની કિંમત આશરે રૂ.10 કરોડની થાય છે. અને એટીએસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.