Mysamachar.in-જામનગર
લાલપુરના એક પરિવારને લગ્નપ્રસંગમાં જવું 1 લાખમાં પડ્યું છે કારણ કે પરિવાર લગ્નપ્રસંગમાં ગયો અને પાછળથી તસ્કરોએ તકનો લાભ લઇ ઘરમાંથી એક લાખની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે, વાત કઈક એવી છે કે લાલપુર ગામમાં દેવીપુજક વાસ ચાર થાંભલા નજીક રહેતાં પરિવારમાં લગ્ન પ્રસંગે ધ્રોલ ગયા હતાં તે દરમિયાન પાછળથી તસ્કરોએ મકાનના તાળા તોડી લાકડાના કબાટમાંથી ટ્રાન્સપોર્ટના હિસાબના અને બચતના મળી કુલ એક લાખની રોકડ રકમ ચોરી કરી ગયાનો મામલો લાલપુર પોલીસ મથકે નોંધાયો છે,
સિકંદર મહેબુબ હડફા નામનો યુવાન તેના પરિવાર સાથે ધ્રોલમાં તેના ફઈબાના દિકરાના લગ્નપ્રસંગે ગયા હતાં. તે દરમિયાન તા.27 ના રવિવારે સવારના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને મકાનના તાળા તોડી રૂમમાં રહેલો લાકડાના કબાટમાંથી ક્રીમ અને પીળા કલરના થેલામાં રાખેલી ટ્રાન્સપોર્ટની પહોંચ તથા ટ્રાન્સપોર્ટના હિસાબ પેટેના રૂા.40700 ની કિંમતની રોકડ રકમ પર્સમાં રાખેલી બચતના રૂા.60 હજારની રોકડ મળી કુલ રૂા.100700 ની રોકડ રકમ ચોરી કરી નાશી ગયા હતાં. લગ્ન-પ્રસંગમાંથી પરત ફરેલા પરિવારને ઘરમાં ચોરી થયાનું જણાતા આ અંગે પોલીસમાં જાણ કરતા પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી ફરિયાદીની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.