સીટી B ડીવીઝન હેઠળના વિસ્તારોમાં ધડાધડ 10 મકાનોના તાળા તૂટ્યા, લાખોની મતાની ચોરી થઇ

બી ડીવીઝન પોલીસને હંફાવતા તસ્કરો 

સીટી B ડીવીઝન હેઠળના વિસ્તારોમાં ધડાધડ 10 મકાનોના તાળા તૂટ્યા, લાખોની મતાની ચોરી થઇ

Mysamachar.in-જામનગર:

જામનગર સીટી બી ડીવીઝન પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારોમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ એકીસાથે ધડાધડ એક બાદ એક મકાનોના તાળા તોડી તસ્કરો પોલીસને પડકાર ફેંકીને નાશી ચુક્યા બાદ પોલીસ તસ્કરોને શોધવા માથું ખંજવાળી રહી છે,જામનગર શહેરમાં શુક્રવારની રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો, અને એકી સાથે 10 મકાનોને નિશાન બનાવી તસ્કરોએ  આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના દાવાઓની હવા કાઢી નાખી છે, તમામ 10 સ્થળે ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તાર ઉપરાંત કે.પી. શાહની વાડી અને નવાગામ ઘેડ સહિતના જુદા-જુદા વિસ્તારોમાં એક નિવૃત પોલીસ કર્મચારી સહિતના 10 જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લીધાનું સામે આવ્યું છે, અને તમામ સ્થળોએ તસ્કરોએ નાનો મોટો હાથફેરો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તસ્કરોના સગડ મેળવવા પોલીસ સીસીટીવી સહિતની બાબતોનો અભ્યાસ કરવામાં લાગી છે, આ ચોરીની ઘટના બાદ સ્વામિનારાયણ નગરમાં રહેતા ભાનુબેન કાન્તિલાલ વાઘેલાએ પોતાના રહેણાંક મકાનમાંથી રૂપિયા 1.20 લાખ રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીનાની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. પોતે નોકરી પર ગયા હતા દરમિયાન પાછળથી તસ્કરોએ તેમના રહેણાંક મકાનને નિશાન બનાવી લીધું હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.

ઉપરાંત કે.પી. શાહની વાડીમાં રહેતા રીતેશભાઈ ગોહિલના રાહેણાક મકાનમાંથી રૂપિયા ૬૦ હજારની કિંમતના દાગીનાની ચોરી થઇ ગયાનું પોલીસમાં જાહેર કરાયું છે. નવાગામ ઘેડમાં રહેતા ઓસ્માણભાઈ ખીરાના મકાનમાંથી ચોરી થઈ છે. જ્યારે સ્વામિનારાયણ નગરમાં રહેતા જયેશભાઈ વાઘેલાના મકાન તેમજ તે જ વિસ્તારમાં રહેતા  કેરાલિયન પરિવારના મકાનમાંથી ચોરી થઈ છે.આ ઉપરાંત વિનાયક પાર્કમાં રહેતા વિનોદભાઈ રાવલના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધાનું જાહેર છે. જ્યારે રામેશ્વર નગર નજીક વિનાયક પાર્કમાં રહેતા શશીકાંતભાઈ ભટ્ટના રહેણાક મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. નિર્મળનગર -૨ માં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી ઇન્દુભા રણુંભા ઝાલાના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધાનું જાહેર કરાયું છે. જ્યારે નિર્મળનગરમાં જ રહેતા મુકુંદભાઈ મહેતાના ઘરમાંથી પણ ચોરી થઈ છે. જ્યારે રાંદલ નગર વિસ્તારમાં રામાપીરના મંદિરની બાજુમાં રહેતા નયનાબા જાડેજાના રેહેણાક મકાનમાંથી પણ તસ્કરો હાથફેરો કરી ગયાનુ પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે.જે તમામ 10 ચોરી અંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ તપાસ ચલાવી રહ્યો છે,