ગેરરીતિ મામલે કાલાવડના ધારાસભ્યનો સનસનીખેજ ધડાકો

અયોગ્ય કામગીરી અંગે M.L.A કરશે ફરીયાદ

ગેરરીતિ મામલે કાલાવડના ધારાસભ્યનો સનસનીખેજ ધડાકો

mysamachar.in-જામનગર:

કાલાવડ તાલુકામાં નેતાઓની ભલામણ બાદ રોડના કામો મંજૂર તો થઈ જાય છે પણ કામો ચાલુ થયા બાદ યોગ્ય મોનિટરિંગ વગેરેના અભાવના કારણે ટૂંકાગાળામાં જ થયેલ રસ્તાઓના કામો ખુલવા લાગતાં સરકારના કરોડો રૂપિયાના ફંડનો વેડફાટ થઈ રહ્યો છે તેની સામે ગ્રામીણ પ્રજામાં નારાજગી ફેલાઈ છે ત્યારે કાલાવડના ધારાસભ્ય પ્રવિણ મુછડીયાએ કાલાવડમાં મોટાભાગના રોડના કામો નબળા થતાં હોય એવો ખુલ્લો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે,

ધારાસભ્ય પ્રવિણ મુછડીયાએ જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાલાવડ સબ ડિવિઝનની પોલ ખોલતા જણાવ્યુ હતુ કે, જામનગર જીલ્લાનું એકમાત્ર પ્રસિદ્ધ યાત્રાધામ રણુંજા આવેલ હોય હજારો શ્રદ્ધાળુઓ દર વર્ષે અહીયા આવે છે ત્યારે તાજેતરમાં જ હરીપરથી રણુંજા બાયપાસ રોડ બનેલ હોય આ રસ્તો ટૂંકાગાળામાં જ તૂટી જતાં યાત્રાળુઓને ભારે મુશ્કેલી પડી રહી છે આ રોડના અયોગ્ય કામ અંગે મૌખીકમાં ડી.ડી.ઑ.ને ફરિયાદ કરેલ છે અને જીલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર પરમારને કડક શબ્દોમાં જણાવ્યુ હતું છતાં કોઈ પગલાં તંત્ર લેતું નથી, ઉપરાંત સાઈડ પાટલીના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું મે જાત અનુભવ કરેલ હોય તેમ પાતામેઘપરથી મોટા વડાળાના રોડના કામમાં સાઇડ પાટલીનું કામ થયેલ ન હોવાથી અકસ્માત થાય છે આ કામની લેખીતમાં ફરિયાદ કરી છે જ્યારે કાલાવડ તાલુકાનાં લલોઇ થી બાંગા રોડનું કામ અતી નબળું થયેલ હોવાની સ્થાનિકોની ફરિયાદ પણ ધારાસભ્ય પાસે આવી રહી હોવાનું તેમણે કહ્યું,

આમ કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાએ પણ કાલાવડ ગ્રામીણ વિસ્તારોમાં થયેલ રસ્તાના કામોમાં નબળી ગુણવત્તા હોવાનો એકરાર કરીને તેમના વિસ્તારમાં રસ્તાના કામો સારા અને મજબુત થાય ઉપરાંત પ્રજાને લાંબાગાળા સુધી સારા રસ્તાની સુવિધા મળે તે ધારાસભ્ય તરીકે પોતાનો શુભ આશય છે આથી સરકારનું ધ્યાન દોરવા માટે ટૂંકાગાળામાંજ તૂટી ગયેલા,નબળા પડી ગયેલા રસ્તાના કામો અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરીને તપાસની માંગણી કરવામાં આવશે તેવું અંતે જણાવ્યુ હતું. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.