દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેતી ચોરીના કારણે દરિયાની સંરક્ષણ દિવાલ તુટી, ગંભીર ખતરો

તંત્ર પગલા ન લેતા ભારે રોષ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેતી ચોરીના કારણે દરિયાની સંરક્ષણ દિવાલ તુટી, ગંભીર ખતરો
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સરકારી વહીવટ દિવસેને દિવસે ખાડે જતો હોય તેમ બોકસાઇટ ચોરી મામલે પહેલેથી જ આ જિલ્લો બદનામ થઈ રહ્યો છે,ત્યારે દરિયાકાંઠે રેતી ચોરી થવાના કારણે હવે દરિયાની કુદરતી સંરક્ષણ દિવાલ તૂટી જતા પાણી ખેડૂતોના ખેતરમાં અને ગામોમાં ઘુસી જતા દેકારો બોલી ગયો છે અને ક્ષાર અંકુશ નિયંત્રણ પાછળ સરકાર દ્વારા વાપરવામાં આવતી કરોડોની ગ્રાન્ટનો ખર્ચો વ્યર્થ જઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી રહી છે,

તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર તેમાં રોકાયેલ હોય અને સ્થાનિક તંત્ર પણ આંખ આડા કાન કરવાના કારણે બોકસાઇટ ચોરીની સાથોસાથ દરિયાઈ રેતી ચોરી કરતા તત્વો નિરંકુશ બનીને JCB, હિટાચી જેવા સાધનોથી ડમ્પરોની હારમાળા સર્જીને બેફામ રેતીચોરી કરતા હોવાના લીધે દરિયાના કાંઠાઓ તૂટી જતા ખેડૂતોના ખેતરમાં અને ગામોમાં દરિયાના પાણી આવી જતા ગ્રામજનોને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે,

વધુમાં આધુનિક સંદેશા-વ્યવહારના કારણે ખનીજ માફિયા તત્વોની તંત્ર સાથે સાંઠગાંઠના લીધે ફરિયાદ થાય અને ચેકિંગ કરવા માટે જિલ્લાના અધિકારી આવે ત્યારે કશું જ હાથ લાગતું નથી તેવી ગોઠવણ કરવામાં આવી છે, તેવામાં ખાણ ખનીજ અધિકારી દ્વારા એક સ્થળેથી તાજેતરમાં જ પાંચ વાહનો ઝડપી લીધા બાદ પોલીસને જાણ કરવા છતાં ના આવ્યાનો પણ બનાવ બન્યો છે,ત્યારે પોલીસ સહકાર ન આપતી હોવાથી શંકા ઉપજે છે,

અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર પાસે બોકસાઈટ તેમજ રેતી ખનીજ ચોરી મામલે આવેદનપત્રો, અસંખ્ય ફરિયાદો કરવા છતાં હજુ સુધી યોગ્ય પગલા ભરવામાં ન આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે,ત્યારે રેતીચોરીને કારણે દરિયાની કુદરતી સંરક્ષણ દિવાલ તૂટી જવા છતાં તંત્ર ભેદી મૌન પર્યાવરણ માટે ગંભીર ખતરો ઉભો કરી શકે તેમ છે,હવે જો આ મામલે સરકારી તંત્ર હરકતમાં નહીં આવે તો અંતે ખેડૂતો દ્વારા અદાલતમાં ફરિયાદ કરવાની ચીમકી આપી છે.