Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકાના સનાતન બસ સ્ટેશન વિસ્તારમાંથી ગુરુવારે ભર બપોરે એક આસામી દ્વારા બેંકમાં જમા કરાવવા માટે લઈ જવાતી રૂપિયા સાડા ચાર લાખની રોકડ રકમ ભરેલી થેલીને કોઈ શખ્સ નજર ચૂકવીને ચોરી કરી ગયાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત ખંભાળિયા વિસ્તારમાં એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા ચાલી રહેલા પેટ્રોલિંગમાં હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુ તથા બલભદ્રસિંહ ગોહિલની સંકલન બાતમીના આધારે ઘટના સ્થળના સીસીટીવી કેમેરા ચેક કરી, વર્ણનના આધારે અહીંના હાઇ-વે ચાર રસ્તા વિસ્તાર નજીક પુલ પાસેથી પસાર થતાં મૂળ ચોટીલાના અને હાલ દ્વારકાના રાવળા તળાવ વિસ્તારમાં રહેતા અજીત ધનજીભાઈ ચૌહાણ નામના દેવીપુજક શખ્સને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સે દ્વારકામાંથી ઉપરોક્ત રૂપિયા સાડા ચાર લાખની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.જેથી એલસીબીએ મુદ્દામાલની રોકડ રકમ સાથે ઉપરોક્ત શખ્સનો કબજો દ્વારકા પોલીસને સોંપ્યો છે.આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઇ. કે.કે ગોહિલની રાહબારી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, સજુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.