આરોગ્યમંત્રીનું નામ વટાવીને 'ઓપરેશન' કરનાર ઝડપાયો 

આરોગ્યમંત્રીનો અંગત મદદનીશ પોતાનો મિત્ર છે- એવું આ શખ્સ શિકારને કહેતો.....

આરોગ્યમંત્રીનું નામ વટાવીને 'ઓપરેશન' કરનાર ઝડપાયો 

Mysamachar.in-સુરત:

સરકારી હોસ્પિટલમાં ડોકટર તરીકેની જોબ અપાવી દેવાના નામે શિક્ષિત લોકો સાથે ઠગાઈ કરતો એક શખ્સ ઝડપાઈ ગયો છે. આ શખ્સનો મિત્ર શિકારને એમ કહેતો કે, પોતે આરોગ્યમંત્રીનો અંગત મદદનીશ છે. આ બંને ઠગોની મોડસ ઓપરેન્ડી જાહેર થઈ ગઈ છે, પોલીસે એકની ધરપકડ કરી છે.  

જે શખ્સની ધરપકડ થઈ છે તેનું નામ હાર્દિક મિસ્ત્રી છે. આ શખ્સ સુરતના અમરોલી વિસ્તારમાં વસવાટ કરે છે. તેની અટક અહાલપરા છે પરંતુ તે મિસ્ત્રી તરીકે જાણીતો છે. તે પોતાના શિકારને એમ કહેતો કે, આરોગ્યમંત્રીનો અંગત મદદનીશ ડો.રાજિવ મેહતા તેનો ખાસ મિત્ર છે. આમ કહીને આ બંને શખ્સો શિકારને ફસાવતાં અને સરકારી હોસ્પિટલમાં ડોકટર તરીકે જોબ અપાવી દેવાના નામે લોકો સાથે નાણાંકીય ઠગાઈ કરતાં. પોલીસે હાર્દિકની ધરપકડ કરી છે.

જો કે પોલીસના કહેવા મુજબ, હાર્દિક નામનો આ શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ આ શખ્સ વિરુદ્ધ છેડતીનો ગુનો પણ દાખલ થયેલો. જેમાં IT એકટની કલમ પણ ઉમેરવામાં આવી હતી. આ ફરિયાદ ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશનમાં થયેલી. હાર્દિક નામનો આ શખ્સ આમ તો મોબાઇલ એસેસરીઝનો ધંધો કરે છે પરંતુ સાથેસાથે છેતરપિંડી પણ આચરતો. સરકારી ડોકટરની નોકરી અપાવી દેવાની વાત કરીને તે તથા તેનો ડોકટર મિત્ર શિકાર પાસેથી કટકે કટકે રૂ. 3 લાખ વસૂલી લેતાં એવું જાહેર થયું છે.

આ રીતે ઉર્વશી મકવાણા નામની એક યુવતી પાસેથી હાર્દિકે રૂ. 2.98 લાખ પડાવી લીધાં હોવાની ફરિયાદ છે. ઈન્સ્ટાગ્રામ પર પેજ બનાવી આ શખ્સ શિકારને ફસાવતો. એમ ઉધના-સુરત પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એન.દેસાઈ કહે છે. આ શખ્સ ટેક્નિકલ સર્વેલન્સ દરમિયાન ઝડપાઈ ગયો હોવાનું બહાર આવ્યું છે. 

આ કેસમાં ગત્ 14 ઓક્ટોબરે ઉર્વશી મકવાણાને વોટસએપ પર એક મેસેજ આવેલો. મેસેજ કરનારે પોતાની ઓળખ ડો. રાજિવ મેહતા તરીકે આપેલી અને પોતે હાર્ટ સર્જન MD ડોકટર હોવાનું કહેલું. ડોકટરે એમ પણ કહેલું કે, પોતે આરોગ્યમંત્રીનો અંગત મદદનીશ છે અને હાર્દિકનો મિત્ર છે. ફરિયાદી ઉર્વશી મકવાણા સુરતમાં પેથોલોજી લેબોરેટરી ચલાવે છે.

આ શખ્સ રૂ. 65,000ના માસિક પગારની નોકરીની લાલચ આપતો હતો. ઉર્વશી મકવાણાને એમ પણ જાણવા મળેલ છે કે, આ શખ્સે ખુશ્બ સાવલિયા, ધારા ધામી, વિશ્વા બોદર, શ્યામ દાલવીયા, કિનુ પટેલ, જાગૃતિ બગુલ, પ્રિયા પટેલ અને ડો. હાર્દિક બાબરિયા સાથે પણ છેતરપિંડી કરી છે. આ શખ્સ એપ્રન, એડમિશન ફોર્મ તથા જોઈનિંગ લેટર વગેરે બહાના હેઠળ કટકે કટકે શિકાર પાસેથી નાણાં મેળવી લેતો હતો.