Mysamachar.in-ગાંધીનગર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સીસ્ટમ (ODPS 2.0) લોન્ચ કરી છે. જેના થકી લો-રાઇઝ બિલ્ડીંગનું પ્લાન પાસીંગ હવે સંપૂર્ણપણે ઓનલાઈન થશે. આ પ્રકારની બાંધકામ પરવાનગી શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ સીસ્ટમથી રાજ્યમાં હવે 15 મીટર (4 માળ) સુધીની ઉંચાઈવાળા લો રાઈઝ બિલ્ડિંગના પ્લાન ઓનલાઈન જ પાસ કરવામાં આવશે. હવે 24 કલાકમાં જ પ્લાન પાસ કર્યાની ઓનલાઈન મંજૂરી મળી જશે. પ્લાન પાસ કરવા માર્જિન એરિયા, પાર્કિંગ, બિલ્ડિંગની હાઇટ, એફએસઆઈ સહિતની 15 બાબતોના દસ્તાવેજોના આધારે જ પ્લાન પાસ કરી દેવાશે. જોકે, 15 માળથી વધુની હાઈટવાળા બિલ્ડિંગ માટે ઓનલાઇન અને ઓફલાઈન બન્ને પ્રક્રિયા હાલ ચાલુ રહેશે.
પણ ભવિષ્યમાં ઊંચાઈવાળી બિલ્ડિંગો માટે પણ આ જ વ્યવસ્થા લાગુ કરાશે. ઓનલાઈન સિસ્ટમના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, પ્લાન પાસ માટે અત્યારસુધી લોકોએ ટેબલે ટેબલે જવું પડતું હતું અને ઘણાં ધક્કા ખાય ત્યારે કામ થતું હતું. માત્ર એક ટકા લોકો જ ખોટું કરે છે જ્યારે બાકીના 99 ટકા લોકો ઈમાનદાર છે જે હંમેશાં સારી વ્યવસ્થા જ ઈચ્છે છે તેમને તકલીફ ના પડે તેવી સરકારની પ્રતિબદ્ધતા છે.
24 કલાકમાં જ પ્લાન પાસ સાથે બાંધકામની રજાચિઠ્ઠી મળી જવાના કારણે જે તે અરજદાર ડેવલપમેન્ટ ચાર્જ ભરીને પોતાનું બાંધકામ શરૂ કરી શકે છે. મહદ અંશે ટેનામેન્ટ, બંગ્લોઝની સ્કીમ અને ચાર માળની હાઈટના ફલેટ બનાવનારા લોકોને આ ઓનલાઇન સિસ્ટમનો ઘણો ફાયદો થશે. જો કે, રાજ્યના રિયલ એસ્ટેટમાં 30 ટકાનો બિઝનેસ આ પ્રકારે પર્સન્લાઈઝ છે, પરંતુ તેના કારણે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તમામ લોકોને ફાયદો થશે.
15 મીટર સુધીની હાઇટવાળા બાંધકામ માટે નક્કી કરેલા 15 પેરામીટર્સ ઉપરાંત કોઈ બાબતની ત્રુટિ જણાય તો તેને પણ નજરઅંદાજ કરીને 24 કલાકમાં પ્લાન પાસ કરી દેવામાં આવશે. વધુમાં ઓનલાઇન સિસ્ટમમાં પ્લાન તૈયાર કરનાર આર્કિટેક્ટ-એન્જિનિયર દ્વારા પ્રવર્તમાન નિયમો અને જીડીસીઆરને અનુરૂપ પ્લાન તૈયાર કરાયો હોવાની બાંહેધરી આપવાની રહેશે. જો તેમાં ખોટી બાંહેધરી અથવા નિયમોનું મિસ ઇન્ટરપ્રિટેશન કરાયું હોવાનું ધ્યાને આવશે તો આવા એન્જિનિયર-આર્કિટેક્ટ સામે કાયદાકીય કાર્યવાહી કરવા ઉપરાંત લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.
ઓનલાઇનની સમગ્ર સિસ્ટમ માટે ત્રણ તબક્કા નિયત કરવામાં આવ્યા છે. સાથેસાથે મંજૂરીના 3થી 10 દિવસમાં અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવાની રહેશે. જો સ્થળ ઉપર નકશા મુજબ કે જીડીસીઆરની જોગવાઇ મુજબનું બાંધકામ નહીં હોય તો મંજૂરી રદ કરવામાં આવશે. તમામ તબક્કા મળીને કુલ 28 દિવસ દરમિયાન ડોક્યુમેન્ટ, સ્થળ ચકાસણી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરીને અરજી મંજૂર કે નામંજૂર કરવાનો નિર્ણય કરવામાં આવશે.