Mysamachar.in-ગુજરાત:
તાજેતરમાં જ રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે આગાહી સાચી ઠરી રહી હોય તેમ આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં સામાન્યથી માંડી ધોધમાર વરસાદ પડ્યો છે, જાણે રાજ્યમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં લૉ પ્રૅશર સક્રિય થતાં તે ધીમે ધીમે મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. આ કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહી વચ્ચે જ મંગળવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મંગળવારે બપોરે બે વાગ્યા સુધી ગીર-સોમનાથ જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. જિલ્લાના વેરાવળમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક ગામ બેટમાં ફેરવાયા છે. વેરાવળના સવની ગામ ખાતે આવેલો ગાગડીયા ધોધ પણ વરસાદને પગલે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળ થયા છે. મંગળવારે સવારથી જ ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌથી વધારે પાંચ ઇંચ વરસાદ વેરાવળમાં નોંધાયો છે. જૂનાગઢના માંગરોળમાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. મંગળવારે ગીર-સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે. બપોરના બે વાગ્યા સુધી જિલ્લાના વેરાવળ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે નદીઓમાં ધોડાપૂર આવ્યા હતા. વેરાવળના માથાસુળિયાથી પસાર થતી કપિલા અને ડાભોર ગામથી પસાર થતી દેવિકા નદીમાં વરસાદથી પૂર આવ્યા હતા. વરસાદને પગલે તાલુકાના અનેક ગામ બેટમાં ફેરવાયા છે. ઈણાજ, ઉંબા, દેદા, આબલયાળા સહિતના ગામો બેટમાં ફેરવાયા છે. ઈણાજ અને ઉંબા ગામમાં નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.