Mysamachar.in-અમદાવાદ
રાજ્યના તરુણ અને સગીર વયના માતા-પિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. પોતાના અપ્રતિમ મોજ-શોખ અને પાશ્ચાત સંસ્કૃતિના આંધળા અનુકરણ ઉપરાંત ફિલ્મી ચસકા પાછળ ઘેલી થઇ ઉઠેલી એક સગીરાને વૈભવી લાઈફ સ્ટાઈલનો એવો તો શોખ વળગ્યો કે તે ક્યારે આડે પાટે ચઢી ગઈ તેનો તેણીને ખ્યાલ જ ના રહ્યો.પુત્રીના રહન-સહન અને ચાલ-ચલગતથી વિચલિત પિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર મદદ માંગતા આખી ઘટનાનો ખુલાસો થયો છે. પિતા અને દાદીની સાથે રહેતી સગીરા ખરાબ રવાડે ચડી ગઈ હતી અને મોજશોખ પૂરા કરવા માટે પાંચથી છ છોકરાઓ સાથે સંબંધ બાંધ્યા હતા. જેની જાણ તેના પિતાને થતા તેમણે 181 અભયમનો સંપર્ક કર્યો હતો. મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલરે સગીરાને સમજાવી મામલો થાળે પાડયો હતો.
15 વર્ષીય છોકરી બે મહિનાની હતી ત્યારે તેની માતા ઘર છોડીને કયાંક ભાગી ગઈ હતી. તેના પિતા અને દાદીએ સગીરાનો ઉછેર કર્યો હતો. પિતાએ બીજા લગ્ન કરવાને બદલે દીકરીને સારી રીતે રાખવાનો નિર્ણય કર્યો હતો અને તેને કોઈ વસ્તુની તકલીફ ન પડે તે માટે પિતા રાતે પણ નોકરી કરતા હતા અને દીકરી જે કહે તે લાવી આપતા હતા. પણ સગીરા મોજશોખના રવાડે ચડી ગઈ હતી અને તેણે વિવિધ વસ્તુઓની માગણી કરવાનું શરૂ કર્યું હતું. પિતાએ તેને મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી, પરંતુ સગીરા સમજવા તૈયાર ન હતી. તેણે પોતાની દાદીને કહ્યું કે તે સેનેટરી નેપકીન વેચીને પોતાની રીતે કમાઈને શોખ પૂરા કરશે. સગીરા સેનેટરી નેપકીને વેચવાના બહાને આખો દિવસ બહાર રહેવા લાગી હતી અને ઘણીવાર મોડીરાતે ઘરે આવતી હતી. દાદીએ તેના રાતના સમયે બહાર નહીં રહેવા સમજાવતા તેણે દાદીને ધમકી આપી હતી કે હું મોડી આવું છું તે અંગેની જાણ તું પિતાને કરીશ તો તને નહીં છોડું. એક બે વખત સગીરાએ તેની દાદી સાથે મારઝૂડ પણ કરી હતી.
પોતાના મોજ-શોખ પુરા કરવા તેણી પિતા પાસે તેમના આર્થિક ગજા ઉપરાંતની માંગણીઓ કરતી થઇ ગઈ. પિતાની સ્થિતિ તેણીની માંગણીઓ પૂર્ણ કરવા સક્ષમ ના હોય, સગીરાએ જુદો જ માર્ગ પકડ્યો. પોતાના મિત્રોની મદદથી તેમના વૈભવી કહી શકાય તેવા શોખને જાણે કે પાંખો આવી, અચાનકથી પોતાની સગીર પુત્રીનો ઠાઠ અને તેણીની જીવન શૈલી પિતાને ચિંતિત કરતી હતી. કપડાથી માંડીને તેણીની નાની-નાની ચીજ વસ્તુઓ મોંધી દાટ હોવાનો પિતાને અહેસાસ થવા લાગ્યો.તેમને થયું કે, આ બધું આવે છે ક્યાંથી ? કેવી રીતે ? સગીરાના મિત્રો વિષે પિતા વધુ જાણતા નહોતા એટલે તપાસ પણ કેવી રીતે કરે ? પિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી.અને પુત્રીની જીવન શૈલી અને વ્યવહાર વિષે જણાવ્યુ.
અભયમે સગીરાનો કેસ હાથમાં લીધો અને તેણીનું કાઉન્સેલિંગ શરુ કર્યું તો ખુદ અભયમ ટીમ પણ કેફિયત સાંભળીને ચોંકી ગઈ. અને આ સગીરા આડે પાટે ચઢીને ના કરવાના કામો કરી રહી હોવાની વાત સામે આવી હતી, તેણીનાં મિત્રો પણ એવા જ હતા અને તેને આ સગીરાને એવી તો હવા આપી કે, સગીરા આડે રસ્તે ચઢી ગઈ સગીરાની આ કેફિયત સાંભળ્યા પછી,181અભયમ મહિલા હેલ્ટીપ લાઈનએ તેણીને આ રસ્તેથી પાછા વળવા સાથે મોજ-શોખ પાછળ જીવન બરબાદ થઇ રહ્યાનો અહેસાસ કરાવ્યો છે. જે દીકરી ખાતર દિવસ રાત નોકરી કરતા પિતાને જ્યારે ખબર પડી કે તેની દીકરી સંખ્યાબંધ છોકરાઓ સાથે સબંધ રાખે છે ત્યારે તેમની મનોદશા બગડી ગઈ હતી અને તેમણે દીકરીને પોતાની સાથે નહીં રાખવાનો નિર્ણય કર્યો હતો. અભ્યમની ટીમે સગીરાનુ કાઉન્સેલિંગ કરી તેને સમજાવતા તેણે ભૂલ સ્વીકારી હોવા છતાં તેના પિતા તેને સાથે રાખવા તૈયાર થયા નહોતા અને અન્ય પરિજનના ઘરે મોકલી અપાઈ હતી.