ખોડિયાર માતાજી મંદિરના દ્વાર ખોલવા કાનાલુસના ગ્રામજનોની માંગણી

જાણો ક્યાં આવેલ છે આ મંદિર...

ખોડિયાર માતાજી મંદિરના દ્વાર ખોલવા કાનાલુસના ગ્રામજનોની માંગણી

mysamachar.in-જામનગર

જામનગર નજીક આવેલ ખોડિયાર માતાજીનાં મંદિરે દર્શન કરવા જવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા ખોડિયાર માતાજીનાં મંદિરના દ્વાર ખોલવા કાનાલુસ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના ગ્રામજનોએ જામનગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર ને આવેદનપત્ર આપી અને યોગ્ય થવા રજૂઆત કરી છે,કાનાલુસ ગ્રામ પંચાયત ના લેટરપેડ પર જે રજૂઆત કરવામાં આવી છે તેના પર જો અક્ષરશઃ નજર કરવામાં આવે તો તે આ પ્રમાણેની છે,

કાનાલુસ થી ૧ કિમી દૂર શ્રી ખોડિયાર માતાનું મંદિર આવેલું છે,જે આશરે ૧૦૦ વર્ષથી પણ વધારે જૂનો ઇતિહાસ ધરાવતું પૌરાણિક મંદિર છે,જે અમારા પૂર્વજોને પરચો આપ્યો અને તે મંદિરની ભવ્ય સ્થાપના થઈ હતી,જે હાલમાં તે મંદિરની જમીન રીલાયન્સ ઇન્ડ.લી.માં મર્જ થઈ ગયેલ છે, તેથી ખોડિયાર માતાજીનાં દર્શન પર રીલાયન્સ ઇન્ડ.લી.દ્વારા ભારતીય રહસ્ય અધિનિયમ 1923ના સેક્શન 2 હેઠળ પેટા કલમ 8 તરીકે ગુજરાત સરકાર દ્વારા કાયદો જાહેર કરાયો છે,સૂચના નં. જીજી/68/2010 SIB/OSA102010/9467 DATED. કાયદાની જોગવાઇઓ હેઠળ ઇંડિયન ઓફિસીયલ સિક્રેટ એક્ટ ૧૯૨૩ હેઠળ પ્રતિબંધ મુકવામાં આવેલ છે,

જેના કારણે અમારા ગામ કાનલૂસ તથા આજુ-બાજુના ગામથી અને બહારગામથી માનતા લઈને આવતા શ્રદ્ધાળુઓને દર્શન કરવા દેવામાં આવતા નથી,જેથી તેથી સમસ્ત હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોચે છે,જેથી કાનાલૂસના સર્વે ગ્રામજનો તરફથી તમને નમ્ર વિનંતી છે કે શ્રી ખોડિયાર માતાજીના દર્શન કાયમી ધોરણે અને વહેલા માં વહેલી તકે ખુલ્લા મુકવામાં આવે,જેથી ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ માતાજીની પુજા અર્ચના કરી શકે તેવી અમારા ગ્રામજનો વતી નમ્ર વિનંતી છે.

આ મામલે અધિક કલેકટર શું કહે છે...
કાનાલુસ નજીક ખોડિયાર મંદિરના દ્વાર ખોલવાના પ્રશ્ન મામલે જામનગર જીલ્લાના નિવાસી અધિક કલેકટર સરવૈયા ની my samachar.in દ્વારા પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે જણાવ્યુ હતું કે,આ મામલે તપાસ કરવામાં આવશે અને પ્રાંત અધિકારી પાસે રિપોર્ટ માંગવમા આવશે અને  હાલ ધ્યાનમાં છે ત્યાં સુધી આ જગ્યાની માલિકી ખાનગી છે.