ફિલ્મ જોઇને પરત ફરી રહેલ 5 પિતરાઈ ભાઈઓની કાર ઝાડ સાથે અથડાઈ 

પાંચેયના કરુણ મોત, પરિવાર શોકમાં ગરકાવ 

ફિલ્મ જોઇને પરત ફરી રહેલ 5 પિતરાઈ ભાઈઓની કાર ઝાડ સાથે અથડાઈ 

Mysamachar.in-ગાંધીનગર

ગતરોજ જામનગર ખંભાળિયા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં મોરબીથી દ્વારકા તરફ જઈ રહેલ પદયાત્રીઓને મહેસાણા પાસીંગની બ્રેઝા કારના ચાલકે અડફેટ લેતા ત્રણ પદયાત્રીઓને સ્થળ પર જ મોત નીપજ્યા હતા, ત્યાં જ ગતરાત્રીના ગાંધીનગર નજીક પણ અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી જેમાં 5 પિતરાઈ ભાઈઓ કાળનો કોળીયો બની ગયા છે. 

ગાંધીનગરના રાંધેજા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાંધેજા પાસે અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો છે. ફિલ્મ જોવા માટે જતા 6 વ્યક્તિને અકસ્માત નડ્યો હતો. કાર ઓવરસ્પીડે હોવાથી ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાતા 5 લોકોના મોત નિપજ્યા છે. 

કારમાં સવાર તમામ ફિલ્મ જોઈ ૫રત પેથાપુરથી માણસા આવવા નીકળેલ હતા. તે દરમ્યાન મોડી રાતે આશરે સવા બારેક વાગ્યાના સુમારે પેથાપુર ચોકડીથી રાંધેજા ચોકડી તરફ જતા હાઇવે ઉપર કેશવ ગૌશાળા પાસે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં કારણે ગાડી રોડની નીચે ઉતરી જઈ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.મૃતકના નજીકના સગા જાવેદભાઈએ જણાવ્યું હતું કે, તમામ છોકરાઓ પિતરાઈ ભાઈઓ છે. જેમાં સાહિલ સિવાય તમામ 17 થી 19 વર્ષની ઉંમરના હતા. તહેવાર નિમિત્તે ભાઈઓ માણસા ભેગા થયા હતા અને ફિલ્મ જોઈને પરત ઘરે આવી રહ્યા હતા. એ વખતે અકસ્માત સર્જાયો હતો.