Mysamachar.in:જામનગર
માં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો આજે સોમવારથી પ્રારંભ થયો છે. સર્વત્ર ઉમંગ અને ઉલ્લાસથી સૌ કોઈ આખરી તબક્કાની તૈયારીઓને ઓપ આપી રહ્યા છે. મંડપો, કમાનો, શમિયાણાઓ, વિશાળ સ્ટેજ અને રોશનીના શણગાર ઉપરાંત જરૂરી બેઠક વ્યવસ્થાઓ તથા ટ્રાફિક ન અવરોધાય તે માટેની અડચણો વગેરે વ્યવસ્થાઓ ગોઠવાઈ ચૂકી છે. ખાસ કરીને, કોરોનાકાળનાં બે વર્ષનાં લાંબા વેકેશન પછી, આ ભવ્ય મહોત્સવ ઉજવવાની ક્ષણો આવી પહોંચી હોય, યુવા વર્ગમાં ગજબ ઉત્સાહ અને ઉત્તેજના જોવા મળી રહ્યા છે. તંત્રો પણ સજ્જ છે. નવરાત્રિની નવ રાતો દરમિયાન યૌવન હિલોળે ચડતું હોય છે. મોડી રાત્રિ સુધી બધે જ ધમધમાટ જોવા મળતો હોય છે. સર્વત્ર આનંદનું વાતાવરણ પથરાઈ જતું હોય છે. આ બધી સ્થિતિઓ વચ્ચે, સોનાની થાળીમાં લોઢાની મેખ માફક કેટલાંક અનિચ્છનીય બનાવો પણ ખાનગી અને જાહેરમાં બનતાં હોય છે.
જો કે, પોલીસ અને હોમગાર્ડઝ સહિતનાં તંત્રો સજ્જ હોય, આવારાપન જેવી બાબતોને ખાસ અવકાશ નથી પરંતુ ખાનગીમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ કરીને યુવતીઓ તથા તેમના પરિવારોએ કાળજી અને સતર્કતા દાખવવી આવશ્યક લેખાય. નવરાત્રિ દરમિયાન અને બાદમાં પણ, ઘણી યુવતીઓ પ્રેમીઓ સાથે થોડાં ઝાઝાં દિવસો માટે અથવા કાયમી રીતે પલાયન થતી હોય છે. કેટલાંક અસામાજિક તત્વો યુવતીઓની એકલતા, રાત્રિનાં અંધકાર તથા ચોક્કસ અવાવરૂ વિસ્તારો અને સ્થળોનો ગેરલાભ પણ ઉઠાવતાં હોય છે. ઘણાં કિસ્સાઓમાં બે ઘડી મોજની લાલચે ઘણી યુવતીઓ સામે ચાલીને મુશ્કેલીઓને આમંત્રણ આપતી હોય છે. કેટલીક યુવતીઓ નશાકારક ચીજોનો ટેસ્ટ માણવા લલચાતી હોય છે. કેટલાંક પ્રેમી જોડાઓ એકાંતની તલાશ અને વ્યવસ્થામાં રત હોય છે.
નવરાત્રિ દરમિયાન કોઈની સાથે કોઈ અનિચ્છનિય ઘટના આકાર ન લ્યે તે માટે યુવતીઓએ તથા તેઓનાં પરિવારોએ સતર્ક રહેવું આવશ્યક છે. બીજી બાજુ, પોલીસ, હોમ ગાર્ડ અને તમામ પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફ તેમજ સર્વેલન્સ સ્ટાફ સહિત સૌને જવાબદારીઓ અને બંદોબસ્ત પોઈન્ટ તેમજ વોચ અને મોનિટરીંગની કામગીરીઓ સોંપી દેવામાં આવી છે. સીસીટીવી કેમેરા નેટવર્ક પર પણ સતત મોનિટરીંગ થઈ રહ્યું છે. તેથી અનિચ્છનીય પ્રવૃત્તિઓ પર લગામ રહી શકશે. ખાસ વિસ્તારોમાં વોચ વધુ સઘન રાખવામાં આવશે એમ પણ સૂત્રોએ જણાવ્યું છે. વિશ્વનાં સૌથી લાંબા નૃત્ય મહોત્સવ અને માં શક્તિની આરાધનાનું આ પર્વ સૌને ખુશ રાખે એવી અપેક્ષા સાથે ચાલો સૌ ખેલૈયાઓ અને દર્શકો આજે પ્રથમ નોરતાથી આ મહોત્સવને મનભરીને માણવા તૈયાર થઈ જઈએ. માં આદ્યશક્તિની આરાધના કરીએ. પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે સૌ પર્વ માણીએ.