કોવિડ હોસ્પિટલની પેથોલોજી લેબમાં 10 હજાર જેટલા કોરોનાગ્રસ્ત તથા કોરોના માટે શંકાસ્પદ દર્દીઓના લોહીની વિનામૂલ્યે તપાસ કરાઇ

ઇન્ડિયન મેડિકલ એસો.ના વાઇસ પ્રેસિડન્ટ તરીકે જામનગરની જી.જી.હોસ્પિટલના તબીબની વરણી

કોવિડ હોસ્પિટલની પેથોલોજી લેબમાં 10 હજાર જેટલા કોરોનાગ્રસ્ત તથા કોરોના માટે શંકાસ્પદ દર્દીઓના લોહીની વિનામૂલ્યે તપાસ કરાઇ

Mysamachar.in-જામનગર

જામનગરની જી.જી.હોસ્પિટલના પેથોલોજી વિભાગના વડા પ્રોફેસર ડો.વિજય પોપટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીના ડીન પણ છે. વળી તેઓ જામનગરની જીલ્લા કોવિડ હોસ્પિટલની તમામ લેબોરેટરી સર્વિસિઝના વડા પણ છે અને તેમની રાહબરી હેઠળ 24 કલાક લેબોરેટરી સેવા ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ તરીકે તેમની તાજેતરમાં જ વરણી થઇ છે. જે જામનગર જિલ્લા માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.  આમ તેમનું કાર્યક્ષેત્ર માત્ર  મેડિકલ કોલેજ, હોસ્પિટલ કે જામનગર પૂરતું સિમિત ન રહેતા સમગ્ર દેશ સુધી વિસ્તર્યુ છે. એથી તેમના દ્વારા થતા કાર્યોના લાભાર્થીઓમા વધારો થયો છે.

વિવિધ જવાબદારીઓ સંભાળતા ડો.વિજય પોપટ કોરોના મહામારીમાં તેમના હસ્તકના પેથોલોજી વિભાગની ભૂમિકા સમજાવતાં કહે છે કે, માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા બેકટેરિયા-વાયરસ શોધવાનું કામ થાય છે. ચેપ લાગ્યો છે કે કેમ તે નકકી કરવામાં આવે છે. આ તપાસના અહેવાલના આધારે તબીબો દર્દીને એન્ટી બેકટરિયલ કે એન્ટી વાયરલ દવા આપવી કે નહી તે નકકી કરીને સારવાર કરતાં હોય છે. જયારે અમારા પેથોલોજી વિભાગની લેબોરેટરીમાં કોરોનાના દર્દીઓના લોહીના વિવિધ પરિક્ષણો - જેવા કે, કિડની તથા લીવરના કામકાજની તપાસ, ઈન્ફેક્શનમા વધતા કે ઘટતા લોહીના કણોની તપાસ, શરીરમાં લોહી ગંઠાઈ જવાની તપાસ અને કોરોનાના વિવિધ માર્કસની તપાસ વિગેરે વિનામૂલ્યે કરવામાં આવે છે. દર્દીના રોગની તપાસ થાય છે. તેમના રોગની માત્રા કેટલી છે, બિમારી ગંભીર છે કે નહી તેની તપાસ કરવામાં આવે છે. પેથોલોજી વિભાગના આ પરિક્ષણના આધારે તબીબો દ્વારા યોગ્ય નિર્ણય લઇ સારવાર કરવામાં આવે છે.

કોરોનાની આ મહામારી દરમિયાન 10 હજાર જેટલા શંકાસ્પદ લક્ષણો ધરાવતા તથા કોરોનાગ્રસ્ત દર્દીઓના બ્લડની તપાસ પેથોલોજી વિભાગમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી. જિલ્લાકક્ષાની કોવિડ હોસ્પિટલમાં બીજા માળે પેથોલોજીની લેબ શરૂ કરવામાં આવી છે. જે 24 કલાક કાર્યરત રહે છે. ત્યાં શિફટ ડયુટીમાં પેથોલોજીનો સ્ટાફ ફરજ બજાવે છે. પેથોલોજી વિભાગમાં 20 ડોકટર્સ પૈકી ડો.વિજય પોપટ, ડો. શમીમ શેખ, ડો.ધારા ત્રિવેદી, ડો.ભરત ભેટારિયા, ડો.અલ્પેશ ચાવડા, ડો.ભાર્ગવ રાવલ અને અને 21 રેસિડન્ટ ડોકટર્સ, ટેકનીશ્યન્સ સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.