ત્રણ દરવાજા: 89 વર્ષ બાદ રૂ. 41 લાખના ખર્ચે રિનોવેશનથી થયા ચકચકિત

શહેરની આગવી ઓળખમાં વધારો અને ઐતિહાસિક વારસો ઉજાગર... 

ત્રણ દરવાજા: 89 વર્ષ બાદ રૂ. 41 લાખના ખર્ચે રિનોવેશનથી થયા ચકચકિત

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકા શહેરના ઐતિહાસિક વારસાની જાળવણી માટે તથા આ વારસાને ઉજાગર કરવા માટે સતત પ્રત્યનશીલ છે, તેના માટે અલગ અલગ કામો ક્રમબદ્ધ જૂની ઓળખ જળવાઈ રહે તે રીતે કરવામાં આવી રહ્યા છે, આવું જ એક કામ એટલે રૂ.41 લાખના ખર્ચે ગ્રેઈન માર્કેટ નજીકના ત્રણ દરવાજાનું રિનોવેશનનું કામ...આ રિનોવેશન 89 વર્ષ બાદ કરવામાં આવી રહ્યું છે. આ કામ ડિસેમ્બર અંતમાં પૂર્ણ થશે જો કે આ ત્રણ દરવાજા પૈકી મુખ્ય દરવાજો હાલ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવેલ છે.

ત્રણ દરવાજાના આ રાજાશાહી સમયના બાંધકામનું કન્ઝર્વેશન, કન્સોલિડેશન વર્ક 15 મા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવ્યું છે. જામનગરની અક્ષરશિલ્પ એજન્સીએ આ કામ કન્સલ્ટન્ટ સહજ ક્રિએશનની મદદથી કર્યું છે. મોટાભાગનું કામ પૂર્ણ થયું છે.

આ બાંધકામ 1934માં જામ રણજિતસિંહ દ્વારા અનાજબજારના પ્રવેશ દ્વાર તરીકે કરવામાં આવેલું. આ ત્રણ દરવાજાનું માપ પરિવહનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જેતે સમયે રાખવામાં આવેલું, જે આજે પણ પર્યાપ્ત ઉપયોગી છે. સૌ પ્રથમ ચણતર દ્વારા એક મુખ્ય ગેટ અને બે ગેટ વે બનાવવામાં આવ્યા છે. આ કલાત્મક નમૂનાને ભૌમિતિક અને ફૂલોની પેટર્ન વડે સુશોભિત કરવામાં આવ્યો છે. જે ફરીથી આકર્ષક બનાવી શકાયો છે. આટલાં વર્ષોના ઘસારા અને વાતાવરણની વિપરીત અસરોને કારણે સમયના વહેવા સાથે આ સ્ટ્રક્ચર ક્ષીણ થવા લાગ્યું હતું. જેને ધ્યાને લઈ કોર્પોરેશન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આગામી મહિનાના અંત સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે.

ત્રણ દરવાજાનો આ આધુનિક પદ્ધતિએ જિર્ણોધ્ધાર થતાં જામનગર શહેરની આગવી ઓળખમાં વધારો થશે. આ ઉપરાંત શહેરનો ઐતિહાસિક વારસો જળવાઈ રહેશે અને આ વારસો ઉજાગર થતાં શહેરની શોભામાં અભિવૃદ્ધિ થશે. આ સમગ્ર કામગીરી મનપાના પૂર્વ પદાધિકારીઓ અને હાલના સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરા, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને ઇન્ચાર્જ નાયબ કમિશ્નર ભાવેશ જાનીની દેખરેખ અને વખતો-વખતની વિઝીટમાં જરૂરી માર્ગદર્શન એજન્સીઓને પૂરું પાડવામાં આવી રહ્યું છે.