સાહેબ અમારા પાકનું....શું? ખેડૂતોની વેદના..

અધિકારીઓના ગોળ-ગોળ જવાબ

સાહેબ અમારા પાકનું....શું? ખેડૂતોની વેદના..

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે સૌની યોજનાની પાઈપલાઈનો ખેડૂતોના પાક ભરેલા ખેતરો ચીરીને બહાર આવી જતા ખેડૂતોની મુશ્કેલીનો પાર રહ્યો નથી, નિકાવા ગામે જે બે ખેડૂતોના ખેતરોમાંથી સૌથી વધુ નુકશાન થયું છે તે અનિલભાઈ વિઠ્ઠલભાઈ કથીરિયા સાથે જયારે ટેલીફોનીક વાતચીત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે મારી ૧૫ વીઘા જેટલી જમીનમાં મગફળી અને ડુંગળીનું વાવેતર કર્યું હતું, અને માંડ હજુ તો પાક આવતો હતો ત્યાં જ ઓચિંતી સૌની યોજનાની પાઈપો અમારા ખેતરો ચીરીને બહાર નીકળવા લાગતા અસહ્ય મુશ્કેલી વચ્ચે નુકશાનીનો પાર નથી, તો વધુમાં અનિલભાઈ જણાવે છે કે મારી બાજુમાં આવેલા પ્રવીણભાઈ સાવલીયા ના ખેતરમાં પણ આવું જ થયું છે, અને તેની પણ ૧૦ વીઘા જમીનને ભારે નુકશાન થયું છે.આમ સૌની આશીર્વાદ સમાન જયારે બને ત્યારે પણ હાલ તો સૌનીના કામોની ખુલી રહેલી ભ્રષ્ટાચાર ની પોલ ખેડૂતો માટે શિરદર્દ બની રહી છે.

જો કે મહત્વનું એ પણ છે કે અગાઉ કાલાવડ તાલુકાના ચારણપીપળીયામા સૌનીના અલગ પેકેજનુ કામ જે મેઘા એજન્સીને અપાયેલુ તેના દ્વારા થયેલા કામમાં પણ આ જ રીતે પાઈપો જમીન ફાડી ને બહાર આવી હતી અને તેજ રીતે ફરી તાજેતરમાં બહાર આવી જતા કામગીરી તરફ શંકાની સોય ટાંકઈ રહી છે., આ અંગે સિંચાઇ વિભાગના અધિકારીઓ તો બહાનું વધુ વરસાદ નું આગળ ધરીને બચવા અને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમ લાગે છે.

-નોટીસ આપી છે કે કેમ તો અધિકારી કહે છે કે..?

સિંચાઇના અધીકારી મહેતા ને જયારે પૂછવામાં આવ્યું કે જવાબદાર એજન્સી સામે નોટીસ સહિતના પગલા લેવામાં આવ્યા છે, ત્યારે તેવોએ નોટીસ આપી છે કે કેમ તે વાતમાં સ્પષ્ટ જ ના કરી શક્યા..

-એજન્સીની જવાબદારી ફીક્સ છે પરંતુ પ્રથમથી બેદરકારી

સિંચાઇ વિભાગમાંથી વધુમા જાણવા મળ્યા મુજબ સૌનીના કામોમાં ૧૦ વર્ષની  ઓપરેશન મેઇન્ટેનન્સ ની જવાબદરી જે તે કોન્ટ્રાક્ટરની છે  માટે પાઇપ બહાર આવવા  મામલે કોન્ટ્રાક્ટર ને નોટીસ આપી દેવામાં આવી છે, તેમજ પાઇપ અપલીફ્ટ થવાની શક્યતા હોય ત્યાં કોન્ક્રીટ કરવાનું થાય છે આ મહત્વની બાબતે સિંચાઇમા સ્ટાફ ઓછો હોવાના કારણે કન્સલ્ટન્ટ રાખીને સુપરવીઝન કરાવવામાં આવે છે, તે લોકો પાસેથી પણ રિપોર્ટ મંગાવાયો છે ત્યારે પ્રશ્ર્ન એ થાય છે કે રિપોર્ટ ....નોટીસ....ગેરંટી પિરીયડ  વગેરે તો ઠીક પરંતુ એક વર્ષથી આ રીતે અવારનવાર પાઇપ બહાર આવ્યા રાખે તેવી પ્રથમથી  જ દેખીતી  બેદરકારી માટે કોઇકને તો વ્યાપક જન હિત અને યોજના ના હિતમા જવાબદાર ઠેરવવા જ પડશે. પરંતુ આ અંગે સિંચાઇ વિભાગનુ મૌન છે

-એજન્સીના જવાબદાર મનોહર કહે છે કે...
આ મામલે રાજકોટ અને કાલાવડમાં તાજેતરમાં જે પાઈપલાઈન જમીનમાં થી બહાર આવી છે ત્યારે આ કામ કરનાર  મેઘા એન્જિયરિંગ ના જવાબદાર મનોહર કહે છે કે પાણીનું લેવલ વધી જવાને કારણે આવું થયું હશે, અને તેને બાયોન્સી ઇફેક્ટ કહેવામાં આવે છે, અને તેના કારણે આવું થયું હોય શકે તેમ તેવોએ જણાવ્યું..