ચોરાઉ કારમાં એન્જિન અને ચેસીસ નંબર લગાવી ઉંચી કિંમતે વેચાણ કરવાના કૌભાંડ પરથી પરદો ઊંચકતી રાજકોટ પોલીસ

ચોરાઉ કારમાં એન્જિન અને ચેસીસ નંબર લગાવી ઉંચી કિંમતે વેચાણ કરવાના કૌભાંડ પરથી પરદો ઊંચકતી રાજકોટ પોલીસ

Mysamachar.in-રાજકોટ

રાજકોટ પોલીસે આંતરરાજ્ય વાહન ચોરીનાં કૌંભાડનો પર્દાફાશ કરી બે શખ્સની ધરપકડ કરી છે. આ બંને શખ્સો કંપનીમાં નેટલોસ કારની ઓનલાઇન હરાજીમાં ખરીદી કરતા અને ચોરાઉ કારમાં એન્જિન અને ચેસીસ નંબર લગાવી ઉંચી કિંમતે વેચાણ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આ કૌંભાડનાં માસ્ટર માઇન્ડ સહિત બે શખ્સની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસને માહિતી મળી હતી કે, નાનામવા સર્કલ નજીક આવાસ યોજનાનાં દરવાજા પાસે સફેદ કલરની સ્વિફ્ટ કારમાં આરોપી શાહબાઝ જોબણ અને તેનો સાગરીત અંકુર સંચાણીયા બેઠા છે. જેને આધારે પોલીસે બન્ને શખ્સની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં બન્ને શખ્સ છેલ્લા ઘણાં સમયથી વીમા કંપનીમાંથી નેટલોસ કારની ઓનલાઇન હરાજીમાં ખરીદી કરતા હતા. માસ્ટર માઇન્ડ શાહબાઝ જોબણ દિલ્હીથી ચોરાઉ કાર મંગાવીને તેમાં નેટલોસ કારનાં એન્જિન અને ચેસીસ નંબર નાખીને વેંચી દેતો હતો. પોલીસે આરોપી પાસેથી એક કાર અને વેંચેલી ચોરાઉ કાર સહિત 8 કાર જેની કિંમત 30 લાખ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. જોકે દિલ્હીમાં કારની ચોરીને અંજામ આપતા સમશાદ અને મોહસીનની પોલીસે શોધખોળ શરૂ કરી છે. ફરાર બન્ને આરોપીઓ પોલીસ સકંજામાં આવ્યા પછી કેટલીક ચોરીને અંજામ આપ્યો છે તેના પરથી પરદો ઉચકાશે.

વિમા કંપનીઓમાં નેટલોસ થયેલી ગાડીઓ પાણીના ભાવે ખરીદી દિલ્હી અને અન્ય સ્થળેથી ચોરેલી ટનાટન કારોમાં તેના એન્જિન-ચેસીસ નંબર નાખી ચોરાઉ કારો વેચવાનુ કૌભાંડ આચરી રહ્યા છે.બન્નેની પૂછપરછ બાદ ચોરાઉ મનાતી આ કાર કબ્જે લેવામાં આવી હતી. આગવી ઢબે પૂછપરછમાં છેલ્લા ચારેક વર્ષ પહેલા દિલ્હીની ચોર ગેંગના શમશાદ અને મોહસીન પાસેથી ચોરાઉ ગાડીઓ ખરીદી ખોડીયારનગરના ડેલામાં વિમા કંપનીઓથી નેટલોસ થયેલી સેઈમ મોડલની ગાડીઓ ખરીદી તેના એન્જિન-ચેસીસ નંબર ચોરાઉ કારોમાં લગાવી દેતા હતા.

જ્યારે વિમા કંપનીવાળી ગાડીઓ ભંગારમાં જવા દેતા હતા. આમ એક ગાડીએ ઓછામાં ઓછા 3 લાખની કમાણી કરી લેતા હતા. ભેજાબાજોએ આવી કારો પૈકીની ચાર ગાડી રાજકોટમાં, એક હળવદમાં, એક મોરબીમાં અને એક પોરબંદરમાં વેચ્યાની કબૂલાત આપી છે. હવે આ કૌભાંડના મુળિયા ક્યાં સુધી ઊંડા છે તે શોધવા પણ પોલીસ વિવિધ દિશાઓમાં કામે લાગી છે.