ઓછા વરસાદવાળા ૪૫ તાલુકા માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરતી રાજ્ય સરકાર

શું છે ના.મુખ્યમંત્રીનું નિવેદન?

ઓછા વરસાદવાળા ૪૫ તાલુકા માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરતી રાજ્ય સરકાર

mysamachar.in-ગાંધીનગર:

કેન્દ્ર સરકારના નિયમો મુજબ અગાઉ ગુજરાત સરકારે રાજ્યના ૫૧ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ અન્ય ઓછા વરસાદ પડેલ તાલુકાઓનો અછતગ્રસ્ત તાલુકામાં સમાવેશ ન થતા વ્યાપક અસંતોષ સાથે દેકારો બોલી ગયો હતો અને સરકારમાં આ મામલે વ્યાપક રજૂઆતના અંતે આજે વધારાના ૪૫ તાલુકા માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે,

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ ગાંધીનગર મીડીયા સમક્ષ આ અંગે જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે,રાજયમાં ૨૫૦ થી ૪૦૦ મી.મી.થી ઓછા વરસાદ પડેલ છે તેવા ૪૫ તાલુકામાં રાજ્ય સરકાર ખેડૂતો માટે ખાસ રાહત પેકેજ આપશે,

જેમાં ૨૫૦ થી ૩૦૦ મી.મી. વરસાદ પડેલ છે તેવા ૧૪ તાલુકામાં ખેડૂતોને હેક્ટર દીઠ ૬૩૦૦ હજારની સહાય, ૩૦૦ થી ૩૫૦ મી.મી. વરસાદ પડેલ છે તેવા ૧૨ તાલુકામાં હેક્ટર દીઠ ૫૩૦૦ની તેમજ 3૫૦ થી ૪૦૦ મી.મી. વરસાદ પડેલ છે તેવા ૧૯ તાલુકામાં પણ હેક્ટર દીઠ ખેડૂતોને ૫૩૦૦ની ઉચક સહાય ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે,

વધુમાં રાજ્ય સરકાર દ્વારા ૪૫ તાલુકા માટે ખાસ જાહેર કરેલ પેકેજમાં દરેક તાલુકા દીઠ ૨૮ થી ૩૦ કરોડની સહાયના ખર્ચનો અંદાજ છે અને કુલ ૪૫ તાલુકા પાછળ એક હજાર કરોડ ઉપર રાજ્ય સરકાર પોતાની તિજોરીમાંથી બજેટ ફાળવશે,

આમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ અંતે જણાવ્યુ હતું કે, આ તાલુકામાં ખાસ રાહત પેકેજ દરમ્યાન જરૂરિયાત મુજબ તમામ સહાય કરવા સરકાર કટિબંધ છે.