ખેડૂતો માટે રાહતના સમાચાર, 700 કરોડની સહાયની જાહેરાત

ખાતામાં જમા થશે સહાયની રકમ

ખેડૂતો માટે રાહતના સમાચાર, 700 કરોડની સહાયની જાહેરાત
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

ચાલુ વર્ષે ખેડૂતો પર આવી પડેલી લીલા દુષ્કાળની આફત સામે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે પાક વીમા સિવાયની વધારાની રૂપિયા 700 કરોડની સહાયની જાહેરાત કરી છે. સહાયની રકમ જે તે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થઇ જશે. ગાંધીનગર ખાતે નાણાંમંત્રી, ઉર્જામંત્રી અને મહેસૂલમંત્રી વચ્ચે બેઠક મળી હતી, ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપી હતી.

નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં પડેલા લીલા દુષ્કાળને પગલે ચાર લાખથી વધુ ખેડૂતોને પિયત જમીનમાં પ્રતિ હેકટર 13,500 રૂપિયા અને બિનપિયતવાળી જમનીમાં પ્રતિ હેક્ટર 6800 રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્ણય લીધો છે. આ સહાય ક્લેક્ટર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે 28 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાની માટે સહાય ચૂકવવામાં આવશે. રાજ્યના બે લાખ ખેડૂતોને 33 ટકાથી વધારે નુકસાન થયું છે. હાલ પ્રાથમિક સરવેમાં પાંચ લાખ હેક્ટરમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. તો પાક વીમાનો સરવે પૂર્ણ થયા બાદ વધારાની સહાયની જાહેરાત કરવામાં આવશે. અસરગ્રસ્ત ખેડૂતોને આરટીજીએસ દ્વારા ચૂકવવામાં આવશે. સાથે જ તેઓએ જણાવ્યું કે આગામી 18 નવેમ્બરથી ટેકાના ભાગે મગફળની ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ થશે.