પત્રકાર બની પાકીટમારી કરતી ગેંગ ઝડપાઈ, આઈકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ

ઝડપાયેલા 5 શખ્સો આ રીતે કરતા ચોરી

પત્રકાર બની પાકીટમારી કરતી ગેંગ ઝડપાઈ, આઈકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ

Mysamachar.in-વલસાડ

આજકાલ ગમે તે નામ કે ધારણ કરી અને પત્રકારોને નામે બોગસ પત્રકારોનો રાફડો ફાટ્યો છે, એવામાં વલસાડ એસ.ઓ.જીએ મોંઘીદાટ ગાડીમાં ફરતી પાકીટમાર નકલી પત્રકારોની ગેંગને ઝડપી છે. પોલીસે અંદાજે 5. 42 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથેપાંચ પાકીટમાર નકલી પત્રકારોની ગેંગની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. ચોંકાવનારી વાત એ છે કે પાકીટમાર નકલી પત્રકારોની આ ગેંગના આરોપીઓ પાસેથી યુટ્યુબ પર ચાલતી ન્યૂઝ ચેનલના નામે 7 ઓળખ કાર્ડ અને મીડિયામાં વપરાતા વોઇસ માઈક અને કાર મળી અંદાજે 5.42 લાખ રૂપિયાના મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

એસઓજી ટીમ મંગળવારે ભીલાડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભીલાડ નરોલી ચેકપોસ્ટ પાસેથી પાંચ શકમંદોને એક ઝાયલો કાર નં.GJ-05-CP-9445 કિં.રૂ. 5 લાખ સાથે પકડી પાડી રોકડા રૂ.21,500 તથા 4 મોબાઇલ કિં.રૂ.21,000 મળી કુલ રૂ.5,42,500નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પૂછપરછમાં આરોપીઓએ જણાવેલ કે, થોડા દિવસ અગાઉ ડુંગરા પોલીસ હદ વિસ્તારમાંથી તેમણે એક યુવકને કારમાં લિફ્ટ આપી તેના ખિસ્સામાંથી રૂ.1.20 લાખ કાઢી ફરાર થઇ ગયા હતા.

ખરેખર ઝડપાયેલા આરોપીઓ પત્રકાર નહિ પણ પાકીટમાર હોવાનું સામે આવ્યું હતું, આરોપી ચાલક હાસીમ શબ્બીર સૈયદ, ફિરોઝ યાસીન શેખ ઉ.વ.35, સમદ ઉર્ફે ઇમરાન યુસુફ શેખ ઉ.વ.35, જહુર સરદાર ખાન ઉ.વ.35 અને મોહસીનહુસેન હુસેનમહમદ ઉ.વ.32 તમામ રહે. સુરત આ આરોપીઓ નેશનલ હાઇવે ઉપર ઝાયલો કાર લઇને નીકળતા અને રસ્તે ઉભેલા રાહદારીઓને ગાડીમાં લિફટ આપી વચ્ચેની સીટમાં બેસાડી વાતોમાં ભોળવી રાખી ખિસ્સામાંથી રૂપિયા સેરવી લેતા અને ત્યારબાદ અધ્ધ વચ્ચે ઉતારીને નાસી જતા હતા. પોલીસે આરોપીઓને પકડતા યુટ્યુબ ચેનલના આઇકાર્ડ બતાવી ગેર માર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો.