ચૂંટણીપ્રચારમાં પણ સોશ્યલ મીડિયા નંબર વન...

પરંપરાગત પ્રચારરસમો ધીમેધીમે આઉટડેટેડ, પ્રચાર હવે આંગળીના ટેરવે

ચૂંટણીપ્રચારમાં પણ સોશ્યલ મીડિયા નંબર વન...
symbolice image

Mysamachar.in-ઇન્ફોર્મેશન ડેસ્ક;

સોશ્યલ મીડિયા ભારત સહિત સમગ્ર દુનિયામાં શક્તિશાળી માધ્યમ પૂરવાર થઈ ચૂક્યું છે. કોમ્યુનિકેશનનાં પરંપરાગત માધ્યમો ધીમેધીમે પોતાની ઉપયોગિતા અને તેથી વર્ચસ્વ પણ ગુમાવી રહ્યા છે. પશ્ચિમના દેશોમાં તો પ્રચાર અને સમાચારનાં જૂની ઢબના માધ્યમો આઉટડેટેડ બની ચૂક્યા છે. ભારતમાં, ગુજરાતમાં અને જામનગર સહિતના સમગ્ર હાલારમાં પણ સોશ્યલ મીડિયાનો દબદબો છે. આઠ વર્ષથી માંડીને એંશી વર્ષનાં સૌ પોતાની આંગળીઓ અને અંગુઠાથી મોબાઈલ અને લેપટોપ તથા ટેબલેટ જેવાં સાધનોનાં ઉપયોગથી દુનિયાને નજીકથી જાણી અને માણી રહ્યા છે, એ પણ સેકન્ડના હજારમા ભાગમાં !

ચૂંટણીપ્રચાર માટે તો જાણે કે, સોશ્યલ મીડિયા નંબર વનનાં સ્થાને બિરાજે છે તેવું સમજાઈ રહ્યું છે. અન્ય માધ્યમો સોશ્યલ મીડિયાની પાછળ પાછળ ઘસડાઈ રહ્યા છે અને અન્ય માધ્યમો સોશ્યલ મીડિયામાં શું શું ચાલી રહ્યું છે ?! તે દર્શાવવા તલપાપડ રહેતાં થઈ ગયા છે. સોશ્યલ મીડિયાએ લોકોની જીવનશૈલી ઉપરાંત લોકોની સોચ પણ બદલી નાંખી છે. હવે અભણ લોકોને પણ લાંબો સમય, કોઈ પણ મુદ્દે બેવકૂફ બનાવી શકાતાં નથી. ઓડિયો ક્લિપ અને વીડિયોઝ તેઓનાં મોબાઈલમાં દર સેકન્ડે ડમ્પ થઈ રહ્યા છે. સૌની પાસે માહિતીઓ, વિગતો, જાણકારીઓ અને લેટેસ્ટ પ્રવાહો ઘડીના છઠ્ઠા ભાગમાં પહોંચી રહ્યા છે.

 

સોશ્યલ મીડિયા સૌને એ બધું જ આપે છે, જે સૌ માટે મહત્વનું અને ઉપયોગી છે. લોકોનાં જીવનમાં મોટી ક્રાંતિ આવી ચૂકી છે. ચૂંટણીનાં સમયમાં (દાખલા તરીકે હાલ) સોશ્યલ મીડિયા વધુ શક્તિશાળી સાબિત થઈ રહ્યું છે. દેશનાં સૌથી સિનિયર રાજકીય પક્ષનાં નેતા રાહુલ ગાંધીએ તો કાલે ગુરુવારે ત્યાં સુધી કહ્યું કે, મોટી સોશિયલ મીડિયા કંપનીઓ ચૂંટણીમાં ધારે તેને જિતાડી શકે ! રાહુલની આ વાત બિનપાયેદાર પણ નથી. સોશિયલ મીડિયા નેટવર્કિંગની તાકાત એટલી હદે વધી રહી છે કે, વિશ્વભરની સરકારો પણ અચંબિત અને ભયભીત છે ! જો કે સાથોસાથ ફેક ન્યૂઝ અને હિંસા તથા ન્યૂડિટી ( નગ્નતા) જેવાં અનિષ્ટો પણ બેફામ વધ્યા છે પરંતુ તેનાં નિયંત્રણ માટે  સરકાર સ્તરે ઘણાં પગલાં પણ લેવાઈ રહ્યા છે અને ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર સહિતની સોશ્યલ મીડિયા જાયન્ટ ઘણાં સારાં અને અસરકારક કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ ડેવલોપ અને લાગુ કરી રહી છે. હાલનાં યુગમાં સોશ્યલ મીડિયા અદભૂત અને સૌથી ગંજાવર તાકાત બની ચૂક્યું છે - જે હકીકત સૌએ સ્વીકારવી જ પડે.

ચૂંટણીઓ દરમિયાન અગાઉનાં વર્ષોમાં ઘણી ખર્ચાળ અને લાંબી તથા કંટાળો પેદાં કરનારી પદ્ધતિઓ ઉપયોગમાં હતી, હવે ચૂંટણી સભાઓ અને રેલીઓ પણ સોશ્યલ મીડિયા પર આધાર રાખતી બની ગઈ છે. સૌને સોશિયલ મીડિયાનો વ્યાપ અને ગતિ પસંદ છે. અને, આ ક્ષેત્ર દેશદુનિયામાં લાખો-કરોડો લોકો માટે રોજગારી પ્રાપ્તિ અને સર્જનાત્મક પ્રયોગોનું અદભૂત માધ્યમ બની રહ્યું છે.