ઝડપાયા એવા તસ્કર જે વધુ ખાદ્યતેલના ડબ્બાની કરતા હતા ચોરી

એ સિવાય વાહનચોરીની પણ આપી કબુલાત

ઝડપાયા એવા તસ્કર જે વધુ ખાદ્યતેલના ડબ્બાની કરતા હતા ચોરી

Mysamachar.in-આણંદ

તસ્કરો જયારે પોલીસને હાથ લાગે ત્યારે તેની મોડસ ઓપરેન્ડી પણ પોલીસની પુછપરછમાં સામે આવે છે,આણંદ જીલ્લા પોલીસે વાહનચોરી અને ઘરફોડ ચોરીમાં સક્રિય ગેન્ગના બે શખ્સોને ઝડપી પાડ્યા ત્યારે સામે આવ્યું કે ઝડપાયેલા તસ્કરોએ અત્યારસુધી ખાદ્યતેલના ડબ્બાઓની ખુબ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે, જે નવાઈ પમાડનારું પણ છે આણંદના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા બોરીયાવી ગામના મુલ્તાની કોલ્ડ સ્ટોરેજ પાસેથી તેલના 157 ડબ્બા ભરેલા આઈશર ટેમ્પા સાથે આણંદ રૂરલ પોલીસે ઝડપેલા બે આરોપીઓની ઉલટતપાસ કરતા અન્ય આઠ ગુનાઓનો પર્દાફાશ થયો છે. આ ત્રીપુટી છેલ્લા કેટલાક સમયથી અનાજ-કરિયાણાની દુકાનો તેમજ વાહનચોરીઓ કરતી હોવાનું કબૂલ્યું છે. આ ઉપરાંત વધુ તપાસમાં બીજી પણ કેટલીક ચોરીઓના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદ પોલીસે સામરખાના રીઢા ઘરફોડીયા જીગ્નેશ ઉર્ફે જીગો ગોરધનભાઈ રાઠોડ, અને મુળ ખંભાતનો પરંતુ હાલમાં ઘોળકા ખાતે રહેતો રજ્જાકશા ઉર્ફે રાજા હુસેનશા દિવાનને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસને આઈસરમાંથી તુટેલુ તાળુ તેમજ લોખંડનું ગણેશીયુ પણ મળી આવ્યું હતુ. ઝડપાયેલા બન્ને ગુનેગારોની આકરી પુછપરછ કરતાં પોર ગામે આવેલી એક અનાજ કરિયાણાની દુકાનનુ તાળુ તોડીને ઉક્ત તેલ તેમજ દિવેલના ડબ્બાની ચોરી કરી હોવાનું જણાવ્યું હતુ ઉપરાંત બીજી આઠેક જેટલી વાહનચોરી, દુકાન, ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબુલાત પણ કરી હતી. જે અનુસાર 9/7/21ના રોજ અમદાવાદની બાજુમાં આવેલા ચાંગોદર જીઆઈડીસી વિસ્તારમાં એક ઘરની સામે રોડ ઉપર પાર્ક કરેલી ઈકો કાર (નંબર GJ-07-BN-9563)ની ચોરી કરી હતી.

જ્યારે 14મી એપ્રિલના રોજ રાત્રીના સમયે ભાલેજ નજીક આવેલા ખાનકુવા ગામે રોડ ઉપર આવેલી કરિયાણાની દુકાનનું શટર પાટાથી બનાવેલી ગણેશિયા દ્વારા તોડીને દુકાનમાંથી 25 તેલના ડબ્બા અને 25 કિલો સોપારીની ચોરી કરી હતી. 20મી એપ્રિલના રોજ સંતરામપુરથી રજ્જાકશા ઉર્ફે રાજાના મિત્ર ઈમરાન ઉર્ફે ઈદી જલાલુદ્દીન દિવાન નામના ઈસમને સાથે લઈને લુણાવાડા શહેરમાં આવેલા બજારમાં મધુર નામની દુકાનનું તાળુ તથા શટર તોડીને દુકાનમાંથી 55 તેલના ડબ્બા, પાંચ મોરસની બોરીઓની ચોરી કરી હતી. જ્યારે 23મી એપ્રિલના રોજ રાત્રીના સમયે પોર ગામે હાઈવે નજીકથી એક લીલા કલરનો આઈશર ટેમ્પો ચોરી કરી હતી.

23મીએ રાવડાપુરા ગામેથી એક બાઈકની ચોરી કરી હતી. ત્યારબાદ એક જ રાત્રીના સમયે પોર હાઈવે નજીક આવેલા દેવનારાયણ ટ્રેડર્સ નામની દુકનનું તાળુ તેમજ શટર તોડીને દુકાનમાંથી 56 તેલના ડબ્બા, 32 હજાર રોકડની ચોરી કરી હતી. 25મી તારીખના રોજ રાત્રીના સમયે સદ્દામ અહેમદહુસેન મલેક તથા રજ્જાકશા ઉર્ફે રાજા અને જગદીશ ઉર્ફે જીગાએ લુણાવાડા મુકામે મોડી રાતના બજારમાં આવેલા ભલાડાવાળા એન્ડ સન્સ નામની દુકાનનું શટર તેમજ તાળુ તોડીને 157 તેલના ડબ્બાની ચોરી કરી હતી. તો 29મી તારીખના રોજ ત્રણેય શખ્સોએ ભાવનગર હાઈવે પર આવેલા ભાદ્રોડ ગામની દુકાનનું તાળુ અને શટર તોડીને તેલના ડબ્બાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આણંદ પોલીસે પોલીસે તેલના ડબ્બા, આશઈર, બાઈકો, ઈકો કાર, મોરસની બોરીઓ સહિત કુલ 4.35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.