Mysamachar.in-અમદાવાદ
આજના સમયમાં કોઈપણ વ્યક્તિ પર ઝડપથી અને આંધળો ભરોષો કરી લેતી મહિલાઓએ ચેતવા જેવો એક કિસ્સો રાજ્યના અમદાવાદમાં સામે આવ્યો છે, જે ખુબ ચોકાવનારો પણ અન્ય મહિલાઓની આંખ ઉઘાડનારો ચોક્કસથી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પતિના દારૂના વ્યસનના કારણે છૂટાછેડા આપી અને પાંચ વર્ષની દીકરી સાથે રહેતી હતી. માસુમ પુત્રી સાથે પોતાનું ગુજરાન ચલાવવા તે કંપનીમાં કામ કરતી હતી, ત્યાં 20 વર્ષીય યુવક સાથે પ્રેમ થયા બાદ લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી હતી. મહિલા ગર્ભવતી થતા પ્રેમી યુવક તેને મધ્યપ્રદેશ લઈ જઈ અમદાવાદ પરત આવ્યો હતો. બાદમાં ‘મિત્રને મળીને આવું’ કહીને ફરાર થઈ ગયો હતો.
મહિલા હેલ્પલાઇન અભયમ 181ને શહેરના પૂર્વના મેમ્કો વિસ્તારમાંથી એક મહિલાનો ફોન આવ્યો હતો કે, ‘હું 12 દિવસથી રોડ પર રહું છું અને રહેવા માટે ઘર નથી.’ જેથી ટીમ તેમને આપેલા સરનામાં પર પહોંચી ગઈ હતી. મહિલાએ અભયમ ટીમના કાઉન્સેલરને જણાવ્યું હતું કે, પોતે લગ્ન કર્યા હતા અને બે સંતાન છે. પતિ દારૂ પીવાનો વ્યસની હોવાથી તેઓએ છૂટાછેડા લીધા હતા જેમાં દીકરો પતિ સાથે જ્યારે દીકરીને તેમણે રાખી હતી. છૂટાછેડા બાદ કંપનીમાં સાથે નોકરી કરતા મધ્યપ્રદેશના 20 વર્ષના યુવક સાથે તેમને મિત્રતા થઈ હતી. પરંતુ પોતે 32 અને યુવક 20 વર્ષનો હોવાથી લગ્ન થઈ શકે તેમ ન હતા.
જેથી બંને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. બંને વચ્ચે શારીરિક સંબંધો બન્યા હતા. જેમાં પરિણીતા ગર્ભવતી થઈ ગઈ હતી. બાદમાં યુવક તેને મધ્યપ્રદેશ ખાતે લઈ ગયો હતો. ત્યાંથી અમદાવાદ પરત આવ્યા હતા. અમદાવાદમાં ઉતર્યા બાદ હું મિત્રને મળીને આવું તમે રોડ પર બેસો એમ કહી જતો રહ્યો હતો અને પરત આવ્યો ન હતો. જેના પર ભરોસો અને ગર્ભવતી કરી ફરાર થઈ જનાર યુવક પરત ન આવતા દીકરી સાથે 12 દિવસથી રોડ પર રહેવા લાગી હતી. બે દિવસ પહેલા બાઇક સાથે અકસ્માત થતા તેમને ઇજા પણ થઈ હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે તેની આપવીતી સાંભળીને પરિણીતાને તરછોડી દેનાર યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહિલા હેલ્પલાઇને તેને આશ્રયગૃહમાં મોકલી આપ્યા હતા. આમ આ કિસ્સો એ દરેક મહિલાઓ માટે ચોકાવનારો છે જે કોઈ પણ આંધળો ભરોષો કરે છે.