Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે અહેમદનગર વિસ્તારમાં રહેતા અને વહાણવટીના વ્યવસાય સાથે સંકળાયેલા આમીન આમદભાઈ હાજી હુશેન સુંભણીયા નામના 42 વર્ષના શખ્સ દ્વારા પૂર્વયોજીત કાવતરુ રચી અને એક આસામી પાસેથી નાની બોટ અલ મકદુમીના ચોક્કસ રજીસ્ટ્રેશન નંબરના કાગળો ખરીદ કરી અને ઉપરોક્ત નાની બોટના રજીસ્ટ્રેશનના કાગળ ઉપર પોતે મોટી બોટ બનાવવી લીધી હતી. બાદમાં માછીમારી કરવા માટે નાની બોટના રજીસ્ટ્રેશન કાગળોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરીને ફિશરીઝ ગાર્ડ પાસે નોંધ કરાવી, આ વિભાગમાં ઉપરોક્ત બોટ પોતાના નામે કરવા માટેની અરજી કરી હતી.
આમ, ખોટી માહિતી આપીને ખોટા નામની બોટથી માછીમારી બોટ દ્વારા એકાદ માસ સુધી ઉપરોક્ત દ્વારા માછીમારી કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે. આ મામલે એસ.ઓ.જી. દ્વારા ફરિયાદ નોંધાવામાં આવતા મરીન પોલીસે આમીન આમદ હાજી હુસેન તથા અન્ય સંડોવાયેલા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 465, 468, 471 તથા 120(બી) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. પી.બી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.