Mysamachar.in-અમદાવાદ
આજનો સમય સોશ્યલ મીડિયાનો યુગ છે, યુવક અને યુવતીઓના હાથમાં રહેલ સ્માર્ટફોનમાં જાણે આખી દુનિયા છે, પણ સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા યુવાઓ અને ખાસ કરીને યુવતીઓએ ચેતવા જેવો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જ્યાં શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી સગીરાને સોશિયલ મીડિયામાં અજાણ્યા યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી છે. સગીરાએ યુવક સાથે વીડિયો ચેટ કરવા લાગી પણ તેનું સ્ક્રીન રેકોર્ડિંગ થયું અને એ તેના મિત્રએ જ કર્યું હતું. આ વીડિયો ચેટના આધારે યુવક સગીરાને બ્લેકમેલ કરવા લાગ્યો અને સગીરાને બોલાવીને તેની સાથે ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હતું. આ વાતની જાણ બાદમાં સગીરાના કાકાને થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલમાં આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા પ્રયાસ શરૂ કર્યા છે.
વર્ષ 2020માં ઇન્સ્ટાગ્રામ મારફતે આ સગીરા છોકરાના સંપર્કમાં આવી હતી. બાદમાં એકબીજાને ફોન નંબરની આપ-લે કરી બંને વીડિયો કોલથી વાત કરતા અને આ છોકરાએ તે વીડિયો કોલનો સ્ક્રીન રેકોર્ડ કરી લીધી હતી અને પરિવારજનોને બતાવી વાયરલ કરવાની ધમકી આપી નિકોલ ખાતે આવેલી રોયલ હોટલમાં લઈ ગયો હતો. જ્યાં શરીર સંબંધ બાંધવાનું કહેતા સગીરાએ મનાઈ કરી તો તેના મા-બાપને મારી નાખવાની ધમકી આ છોકરો આપવા લાગ્યો અને બાદમાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યાર બાદ ફેબ્રુઆરી અને માર્ચ માસમાં પણ આ છોકરો સગીરાને આ જ હોટલમાં લઈ ગયો હતો. માર્ચ મહિનામાં સગીરાએ હોટલમાં જવાની ના પાડી તો આ છોકરાએ તેને હોટલના રૂમમાં શારીરિક સંબંધ બાંધેલા હોવાના વીડિયો તેની પાસે છે અને તે વાયરલ કરી દેશે તેવી ધમકી આપી હોવાથી સગીરા હોટલમાં ગઈ હતી.સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા છોકરાએ ત્રણવાર હોટલમાં સગીરાને લઈ જઈ બ્લેકમેલ કરી ધમકીઓ આપી અને બળાત્કાર ગુજારી સગીરાના કાકાને બીભત્સ શબ્દો લખી મેસેજ કરી ધમકીઓ આપતા કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ આજના સમયમાં કોઈના પર આંધળો વિશ્વાસ મૂકી દેનાર યુવતીઓ માટે આ કિસ્સો લાલબતી સમાન છે.