જામનગર સહિત આઠ મહાપાલિકાઓનાં શાસકો આજે સુરતમાં
વિકાસકામોનો હિસાબ મંગાશે અને CR પાટિલ સૌનો કલાસ લેશે....

Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજયના આઠ મહાનગરોના ભારતીય જનતા પાર્ટીના શાસકોને આજે બુધવારે સવારે અગિયાર વાગ્યે સુરત બોલાવવામાં આવ્યા છે. આગામી લોકસભા ચૂંટણી પૂર્વે મળી રહેલી આ બેઠકને સંગઠનની દ્રષ્ટિએ મહત્વની લેખવામાં આવી રહી છે. જામનગરનાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસકપક્ષનાં નેતા તેમજ દંડક સહિતનાં પક્ષનાં તમામ આગેવાનોને પક્ષનાં પ્રદેશ અધ્યક્ષે આજે સુરતમાં બોલાવ્યા છે. પક્ષનાં શહેર અને જિલ્લાના પ્રમુખો ઉપરાંત મહામંત્રીઓ, ધારાસભ્યો અને પક્ષનાં પ્રભારીઓને પણ સુરત બોલાવવામાં આવ્યા છે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આજે સવારે અગિયાર વાગ્યે શરૂ થનારી આ બેઠકમાં દરેક મહાનગરપાલિકામાં ચાલી રહેલાં વિકાસકામોની ચર્ચા થશે. વિકાસકામોનો હિસાબ લેવામાં આવશે અને વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ કરવા અંગે પ્રદેશ અધ્યક્ષ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ અગ્રણીઓને સંગઠનાત્મક બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર સહિત આઠ મહાપાલિકાઓ પૈકી છ મહાપાલિકાઓમાં પદાધિકારીઓની વર્તમાન અઢી વર્ષની મુદત આગામી સપ્ટેમ્બરમાં પૂર્ણ થઈ રહી હોય, નવા પદાધિકારીઓ અંગે પણ ચર્ચા થશે એમ માનવામાં આવે છે. લોકસભા ચૂંટણી પહેલાં દરેક મહાપાલિકાઓમાં સક્ષમ પદાધિકારીઓ મૂકવા પક્ષ માટે જરૂરી બાબત હોય છે. તેથી નવા અને કાર્યક્ષમ ચહેરાઓની તલાશ થશે. જો કે તેમાં પણ જ્ઞાતિ અને જૂથ વગેરેનું બેલેન્સ પસંદગીકારો માટે મહત્વનો વિષય લેખાતો હોય છે. સી.આર. પાટિલ સંગઠન અને વહીવટ બંને ક્ષેત્રોમાં લોકસભા ચૂંટણી પહેલાં ક્યાંય પણ કચાશ ન રહે તે જોવા ઇચ્છે છે. કેમ કે, છેલ્લાં નવ વર્ષથી રાજયની લોકસભાની તમામ 26 બેઠકો પર પક્ષનો કબજો છે તેથી આગામી ચૂંટણીમાં પણ પક્ષ વધુ ભવ્ય વિજય ઇચ્છે તે સ્વાભાવિક છે.