ધોરણ 10 નાં પરિણામોએ શાળાઓની પોલ ખોલી નાંખી !

આંકડાઓ સ્પષ્ટ કહે છે, ઠોઠ શાળાઓની સંખ્યા વધી !!

ધોરણ 10 નાં પરિણામોએ શાળાઓની પોલ ખોલી નાંખી !
File image

Mysamachar.in:ગાંધીનગર

આંકડા એવી ચીજ છે - જે આપણી સમક્ષ વાસ્તવિક ચિત્ર રજૂ કરી દે છે. વારતાઓમાં કલ્પનાઓ અને જુઠનાં રંગો ઉમેરી શકાય છે પરંતુ આંકડા બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે, જે એક્સ રે જાહેર કરી દે છે - કશું જ છૂપાવ્યા વગર. ધોરણ 10 નાં કાલે જાહેર થયેલાં પરિણામોમાં પણ આવું બન્યું છે. કડવી વાસ્તવિકતા સપાટી પર આવી ચૂકી છે. આંકડા દર્શાવે છે કે, શૂન્ય પરિણામ મેળવનાર શાળાઓની સંખ્યા વધી ! ટૂંકમાં, ઠોઠ શાળાઓની સંખ્યા વધી ગઈ ! જે શાળાનો એક પણ વિદ્યાર્થી ધોરણ 10 માં પાસ ન થયો હોય એવી શાળાઓની સંખ્યા ગત્ વર્ષે 121 હતી. આ વર્ષે આ પ્રકારની ઠોઠ શાળાઓની સંખ્યા વધીને 157 થઈ ગઈ છે ! આવી શાળાઓ અને વિદ્યાર્થીઓ પાછળ કરવામાં આવેલો તમામ ખર્ચ પાણીમાં ગયો !!

આ ઉપરાંત ધોરણ 10 માં જે શાળાઓ 30 ટકાથી પણ ઓછું પરિણામ મેળવી શકી છે એવી શાળાઓની સંખ્યા પણ વધી ! આટલું ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ગત્ વર્ષે 1,007 હતી - જે આ વર્ષે વધીને 1,084 થઈ ગઈ છે ! ઠોઠ શાળાઓની સંખ્યા અહીં પણ વધી. બીજી તરફ 100 ટકા પરિણામ લાવતી શાળાઓની સંખ્યા ઘટી ! હોંશિયાર શાળાઓ પણ ઠોઠ બનવા તરફ ગતિ કરી રહી છે ! આવી હોંશિયાર શાળાઓની સંખ્યા ગત્ વર્ષે 294 હતી જે આ વર્ષે ઘટીને 272 થઈ ગઈ ! ધોરણ 10 સુધીનું ભણતર તેજસ્વી પ્રદર્શનથી ઠોઠ દેખાવ તરફ ગતિ કરી રહ્યું છે !

કોરોનાકાળ દરમિયાનની માઠી અસરોમાંથી શાળાઓ અને વિદ્યાર્થીઓ હજુ બહાર આવી શક્યા નથી. બીજી તરફ લાખો વિદ્યાર્થીઓનો શિક્ષણનો પાયો કાચો રહી ગયો હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તેજસ્વી ઉમેદવારોની સંખ્યા ઘટી રહી છે ! ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં પણ જોવા મળેલું કે, એ-વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા બહુ જૂજ હતી. સાયન્સના વિધાર્થીઓ તથા શિક્ષકો મહેનતુ, તેજસ્વી અને શિક્ષણ પ્રત્યે ગંભીર હોય છે છતાં પરિણામોમાં તેજસ્વિતા જોવા મળી નહીં ! ખાનગી શાળાઓની ઉંચી ફી તથા કોચિંગ ક્લાસ પાછળ થતો લખલૂંટ ખર્ચ પણ ધાર્યા પરિણામો લાવી શકતો નથી ! રાજય સરકારની ચિંતન શિબિરમાં પણ શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત થઈ હતી, જે શિક્ષણની કડવી વાસ્તવિકતા દેખાડે છે.