Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના લાલપુર તાલુકા પંચાયતના ભાજપના મહિલા સદસ્ય દ્વારા નવનિયુક્ત જીલ્લા વિકાસ અધિકારીને તેમના વિસ્તારમાં ચાલી રહેલ એક રસ્તાનું કામ યોગ્ય રીતે ના થતું હોવાની અને જવાબદારો સામે પગલા લેવાની રજૂઆત ખુદ ભાજપના સભ્ય દ્વારા કરવામાં આવતા ચર્ચાએ આ વિસ્તારમાં જોર પકડ્યું છે, ભાજપના મહિલા સદસ્ય સુશીલાબા કૃષ્ણદેવસિંહ ચુડાસમાએ જીલ્લા વિકાસ અધિકારીને સંબોધીને કરેલ રજુઆતમાં જણાવ્યું છે કે કરાણા ચંદ્રાગા ગામને જોડતો ડામર રોડ જેનું કામ મધુરમ કન્સ્ટ્રકશન નામની એજન્સીને સોંપવામાં આવેલ છે તે બાબતેની તમામ વિગતો તેવો દ્વારા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પાસેથી એસ્ટીમેન્ટની નકલો સહિતની માહિતી મેળવેલ ત્યારબાદ તેવોને જાણવા મળેલ કે ડામર રોડ રસ્તાની કામગીરી આજરોજ શરૂ થયેલ છે અને તે કામ અયોગ્ય અને એકપણ પ્રકારના જવાબદાર અધિકારી કર્મચારીની હાજરી વગર લાખોના ખર્ચે થઇ રહેલ ડામર રોડનું કામ શરૂ થઈ રહેલ છે અને તે ખુબજ ગંભીર બાબત જણાઈ આવેલ હોય તે બાબતે ગંભીરતા લેવી જરૂરી છે.
રોડ રસ્તાની કામગીરી જે એસ્ટીમેન્ટમાં ડામર રોડ રસ્તાની ગુણવતાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે મુજબ તમામ કામગીરી કરવામાં નહીં આવે વિસ્તારના રહીસો દ્વારા આવા અયોગ્ય કામોને થવા માટેની સહમતી આપવામાં આવશે નહી તેમ જણાવવામાં આવ્યું છે, અને આ તમામ ડામરનાં રોડનું કામ સભ્યની હાજરીમાં કરાવવા રજુઆત છે, સદસ્ય તરીકે તેમને આ નબળા કામ બાબતેની રજુઆત કરવામાં આવેલ હોય જેના કારણે કામ સંપૂર્ણ પણે સાથે રહીને આખું કામ કરાવવા માંગીએ છીએ જે બાબતે તાત્કાલીક પણે યોગ્ય કાર્યવાહી કરવા ઉપરોકત રજુઆતને ગંભીરતાથી ધ્યાને લેવા વિનંતી છે. જો આ અંગે યોગ્ય થવામાં ના આવે તો ઉચ્ચકક્ષાએ આ મામલે રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, હવે આ રસ્તાનું કામ જે એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે તે કોન્ટ્રાકટની શરતો અને નિયમ મુજબ જ કરવામાં આવી રહ્યું છે કે કેમ તે આક્ષેપ બાદ તપાસનો વિષય બન્યો છે, અને જો તપાસ થાય તો જ સાચું શું તે સામે આવશે.
-શું કહે છે ડેપ્યુટી ઈજનેર:જયવીરસિંહ ચુડાસમા
આ મામલે સત્ય શું તે જાણવા માટે સબ ડીવીઝનના ડેપ્યુટી ઈજનેર જયવીરસિંહ ચુડાસમાની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે હું પોતે આજે સવારથી જ સાઈટ પર હાજર હતો મારી તથા અન્ય કર્મચારીઓની હાજરીમાં અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખમાં જ આ કામ સહિતના જે કોઈ કામો ચાલુ હોય તે થાય છે, આક્ષેપોમાં તથ્ય નથી અને હું ખુદ પોતે પણ આજે જે સભ્યએ આક્ષેપ કર્યો તે તાલુકા પંચાયત સભ્યને મળ્યો છું, અને કામગીરી બાબતે ચર્ચા કરી હાલ કામ બંધ કરેલ છે, અને કામ યોગ્ય માપદંડો મુજબ જ થાય છે. આ જવાબ બાદ તેવો પાસેથી કામનું એસ્ટીમેટ અને કેટલા કિલોમીટરનો આ રસ્તો સહિતની વિગતો માંગવામાં આવી ત્યારે તેવી કોઈ જ વિગતો તેમની પાસે હાથ પર ના હોવાનું જણાવ્યું હતું.