Mysamachar.in-જામનગર:
જામનગર શહેરની ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલાં રિવાબા જાડેજાનાં પતિ-ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો ભવ્ય રોડ-શો ગઈકાલે શુક્રવારે ખંભાળિયા શહેરમાં યોજવામાં આવ્યો હતો જેમાં હજારો યુવાનો ઉમટી પડ્યા હતા.હાલ રવિન્દ્ર જાડેજા તેઓનાંપત્નીનાં ચૂંટણી પ્રચારમાં ખૂબ જ વ્યસ્ત છે. યુવાઓ અને ક્રિકેટપ્રેમીઓમાં ચૂંટણી પ્રત્યે આકર્ષણ જન્માવવા જામનગરમાં રવિન્દ્ર જાડેજાએ વિવિધ વિસ્તારોમાં રોડ-શો યોજયા છે, યુવાનો સાથે સેલ્ફી લીધી છે અને મતદારોની મુલાકાતો પણ કરી છે.
રવિન્દ્ર જાડેજાની લોકપ્રિયતા ધ્યાનમાં રાખી કાલે શુક્રવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભા બેઠક પરનાં ભાજપાનાં ઉમેદવાર મુળુભાઇ બેરાનાં સમર્થનમાં ખંભાળિયા ખાતે રવિન્દ્ર જાડેજાનો ભવ્ય રોડ-શો યોજવામાં આવ્યો હતો જેમાં ખંભાળિયા યુવા ભાજપાનાં અગ્રણીઓ, કાર્યકરો અને સ્થાનિક યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. ખંભાળિયા શહેરમાં તમામ મુખ્ય માર્ગો પર ઘૂમેલા આ રોડ-શો દરમિયાન રવિન્દ્ર જાડેજાએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું, યુવાનો સાથે સેલ્ફી લીધી હતી. મહત્વનું છે કે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ખંભાળિયા શહેરમાં એક ચૂંટણીસભા સંબોધવા આવી પહોંચ્યા હતાં.ત્યારે આ વિસ્તારમાં પવન એકમાત્ર ભાજપ તરફ ફૂંકાઈ રહ્યું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે..
-ભાજપ સિવાય આ વખતે આ વિસ્તારમાં નથી કોઈ લહેર…
અત્રે એ નોંધનીય છે કે, હાલમાં બે ટર્મથી આ વિધાનસભા બેઠક કોન્ગ્રેસના કબજામાં છે પરંતુ આ વખતે ઉલટફેર થઈ શકે છે. મતદારો આ વખતે ડબલ એન્જિન સરકારની વિકાસલક્ષી રાજનીતિમાં ભરોસો વ્યક્ત કરે તેવી સંભાવનાઓ સમગ્ર પંથકમાં ચર્ચાઈ રહી છે. ઉપરાંત આમ આદમી પાર્ટીએ આ બેઠક પર પક્ષનાં મુખ્યમંત્રી પદના ચહેરાને હોડમાં ઉતાર્યા પછી પણ, આ મતવિસ્તારમાં ‘ આપ’ પાર્ટી કોઈ પણ પ્રકારનો પવન સર્જી શકી નથી. ત્રિપાંખિયો જંગ હોવાથી આ વખતે ચૂંટણી પરિણામ અગાઉનાં વર્ષો કરતાં અલગ જોવા મળે તેવી શક્યતા છે. કોન્ગ્રેસ તથા આમ આદમી પાર્ટી આ મતવિસ્તારમાં અસરકારક પ્રચાર નેટવર્ક ગોઠવવામાં પણ ઉણી ઉતરી હોવાનું સમજાઈ રહ્યું છે. લોકસંપર્કની બાબતમાં પણ ભાજપાનો ઘોડો હાલ આગળ દોડી રહેલો જોવા મળી રહ્યો છે.