ખંભાળિયામાં થતી હતી રેલ્વે ટિકિટની કાળાબજારી...બે ઝડપાયા

જાણો કઈ રીતે કરતાં કાળાબજારી

ખંભાળિયામાં થતી હતી રેલ્વે ટિકિટની કાળાબજારી...બે ઝડપાયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ખંભાળિયામાં રેલ્વે ટિકિટ એજન્સીના સંચાલક દ્વારા કરવામાં આવતી કાળાબજારીનો ભાંડાફોડ થવા પામ્યો છે,જેમાં દ્વારકા રેલ્વે પોલીસે એજન્સી સંચાલક અને અન્ય એક સહીત બે શખ્સોને ટિકિટ કાળા બજાર કરતા રંગે હાથ પકડી પાડી રેલ્વે અધિનિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી છે,

જામનગર જીલ્લામાં થોડા સમય પૂર્વે ખાવડી નજીકથી રેલ્વે ટિકિટની કાળા બજારી બાદ ગઇકાલે દ્વારકા રેલ્વે પોલીસ દ્વારા ખંભાળિયા ખાતે આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું,જેમાં જોધપુર નાકા વિસ્તારમાં આવેલ યશોદા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી નીકળેલ એક ગ્રાહકને રોકીને રેલ્વેની ટીમે પુછપરછ કરી હતી,જેમાં તેઓએ મુંબઈ વસઈ રોડની ટીકીટ ખરીદ કરી હતી,પર્સનલ આઈ.ડી.માંથી કાઢવામાં આવેલી તત્કાલની આ ટિકિટ પેટે ગ્રાહક પાસેથી રૂપિયા ૫૨૫ લેવાને બદલે રૂપિયા ૭૩૦ વસુલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું,

ગ્રાહકે ચૂકવેલ રકમ કરતા ટિકિટની રકમ ૨૦૦ રૂપિયા મોંઘી હતી.પ્રાથમિક તપાસમાંજ દુકાનદાર દ્વારા રેલ્વે ટિકિટમાં કાળા બજારી કરવામાં આવતી હોવાનું સામે આવતા પેઢીમાં ચેકિંગ કાર્યવાહી કરી હતી,જેમાં પેઢી અને લાયસન્સ ધારક નીરવ સોનરાત અને જય મોદી નામના બે શખ્સો મળી આવ્યા હતા.પેઢી ધારકે પોતાના મોબાઈલ અને લેપટોપમાં આઈઆરસીટીસીમાં બનાવવામાં આવેલ પર્સનલ આઈ.ડી.માંથી ટિકિટ આપી, નિર્ધારિત કિંમત કરતા ૨૦૦-૩૦૦ રૂપિયા વધુ લેતા હોવાનું સામે આવ્યું હતું. રેલ્વે પોલીસે લેપટોપ,સાત ટિકિટ,બે મોબાઈલ,એક કોમ્પ્યુટર સેટ સહીતનો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સોની ધરપકડ કરી હતી.ઝડપાયેલા બંને શખ્શો ટિકિટની કાળાબજારી થાય તેમાંથી અડધે ભાગે રૂપિયા વેચી લેતા હોવાની વિગતો પણ સામે આવી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.