સરકારી કામ કરતા કોન્ટ્રાકટરે જ કરી લાખોની વીજચોરી

અત્યારસુધી ખબર ના પડી તે પણ આશ્ચર્ય કહેવાય ને..?

સરકારી કામ કરતા કોન્ટ્રાકટરે જ કરી લાખોની વીજચોરી

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલ બેડી વિસ્તારમાં મહાનગરપાલિકાની ભૂગર્ભ શાખા દ્વારા કામ ચાલી રહ્યું છે, અને તે કામ પી.દાસ નામની કોન્ટ્રાકટર કંપની કરી રહી છે, પરંતુ આ કોન્ટ્રાકટર કંપનીએ ભુગર્ભ ગટરના ચાલતા પ્રોજેકટ વર્કમાં સીધું જ જોડાણ એટલે કે વીજચોરી થતી હોવાનું પીજીવીસીએલ સ્ટાફને ધ્યાને આવતા પી.દાસ કંપનીને રૂા.8.49 લાખનું પુરવણી બીલ પીજીવીસીએલ દ્વારા પકડાવી દેવામાં આવ્યું છે, વધુમાં પી.દાસ કોન્ટ્રાકટર કંપની સામે જીયુવીએનએલ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના વોર્ડ.નં.1ના બેડીના ખારી વિસ્તારમાં હાલ મ્યુ.કોર્પો.દ્વારા કોન્ટ્રાકટર મારફત ભુગર્ભ ગટર નેટવર્કનું, રાઇઝીંગ મેઇન લાઇનનું અને સીવેજ પમ્પીંગ સ્ટેશન નાંખવાના રૂા.9.27 કરોડના પ્રોજેકટના ચાલતા કામમાં તાજેતરમાં વિજ ચેકીંગ ટુકડીએ સ્થળ ચકાસણી કરતા સ્થળ પર બે ઇલેકટ્રીક મોટરો, બે કટર મશીન અને પંખો ડાયરેકટ લાઇન લઇને ચાલતા હોવાનું સામે આવતા પટેલ કોલોની સબ ડીવિઝનના ડેપ્યુટી ઇજનેર પી.એચ.જાદવ અને ચેકીંગ ટીમના સભ્યોએ તમામ સામગ્રી કબ્જે લઇને આ મામલે જીયુવીએનએલ પોલીસ મથકને જાણ કરતા મહિલા પીએસઆઇ એમકે.અપારનાથીએ તપાસ હાથ ધરી છે.

આ પ્રકરણમાં પીજીવીસીએલના ડે.ઇજનેર પી.એચ.જાદવે જણાવ્યું હતું કે, પીજીવીસીએલ રૂા.8,49,904ની વીજ ચોરીની આકારણી કરીને મ્યુ.કોર્પો.ની કોન્ટ્રાકટર પેઢી પી.દાસને પુરવણી બીલ આપવા તેમજ વીજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરી છે. મ્યુ.તંત્ર આ મામલે શું પગલા છે છે ? તે સવાલ ઉઠયો છે. તો ભૂર્ગભ શાખાના અમિત કણસાગરા પીજીવીસીએલ કઈક લખીને આપે તેની રાહ જુએ છે.