મેનપાવર સપ્લાય કરતી એજન્સીઓ અને કંપનીઓનો 'પાવર' જબ્બર !

શ્રમવિભાગ, EPFO વિભાગ અને ઈવન આવકવેરા વિભાગ પણ 'દાદાગીરી' સામે મૌન !!

મેનપાવર સપ્લાય કરતી એજન્સીઓ અને કંપનીઓનો 'પાવર' જબ્બર !
Symbolic image

Mysamachar.in:અમદાવાદ

છેલ્લાં 10-15 વર્ષથી સમગ્ર રાજ્યમાં એક નવાં પ્રકારની માફિયાગીરી પેદાં થઈ છે અને, ભરપૂર પોષણ તથા માવજતને કારણે આ માફિયાગીરી ગંજાવર અને કદાવર બની ચૂકી છે ! અહેવાલો તો ત્યાં સુધી કહે છે કે, તેઓ રાજ્યમાં કોઈથી, CM થી પણ નહીં, ડરતાં નથી અને, સરકારી તથા ખાનગી એકમોમાં આ માફિયાગીરી પાવરફૂલ બની ચૂકી છે ! ચોક્કસ પ્રકારના વચેટિયાઓ અને પાવર કોરીડોરમાં સત્તાવાર તથા બિનસત્તાવાર રીતે સતત આંટાફેરા કરતાં, મહાઠગ પ્રકારનાં આ માફિયાઓ 'મેનપાવર સપ્લાય' નાં રૂપાળાં નામ હેઠળ પોતાના કાળાં ધંધા બેફામપણે ચલાવી રહ્યા છે ! તેઓ સરકારી અને સ્વાયત સંસ્થાઓનાં અધિકારીઓને પણ દબડાવે છે અને ખાનગી કંપનીઓનાં ઉચ્ચ અધિકારીઓને પણ ! કેટલાંક કિસ્સાઓમાં તેઓ આ સતાવાળાઓનાં દિલ જિતી લેવાની કળાનો પણ ઉપયોગ કરી લેતાં હોય છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ પ્રકારની આઉટસોર્સિંગ એજન્સીઓ અને કંપનીઓનો કારોબાર દિનપ્રતિદિન વધુ મોટો થતો રહ્યો હોય હવે આ બિઝનેસમાં માફિયાગીરીના તમામ લક્ષણો જોવા મળી રહ્યા છે ! તેઓ નાનાં મોટાં શહેરોમાં સમાંતર સરકાર બની ગયા છે , કોઈ તેઓનું કશું બગાડી શકતું નથી ! આ પ્રકારની માફિયાગીરીને શ્રમવિભાગ, કર્મચારી વીમા વિભાગ તથા આવકવેરા વિભાગ પણ સલામ ઠોકે છે ! આ ક્ષેત્રમાં સરકારનાં વિવિધ કાયદાઓ, નિયમો અને જોગવાઈઓ તથા શરતોનું છડેચોક ઉલ્લંઘન થતું હોવા છતાં ઘણાં વર્ષોથી ક્યાંય, કોઈએ એવું સાંભળ્યું નથી કે, આ પ્રકારની માફિયાગીરીને અંકુશમાં લેવા ઉપરોક્ત ત્રણ તંત્રો સહિતનાં વિભાગોએ કોઈ કામગીરી કે કાર્યવાહી કરી હોય ! માફિયાઓનો પાવર જબ્બર છે, મેનપાવર સપ્લાયનાં ક્ષેત્રમાં પણ.

અત્રે ઉલ્લેખનીય છે કે, લગભગ દરેક સરકારી ક્ષેત્રમાં અને મોટાં ઉદ્યોગો સહિતના કોર્પોરેટ વ્યવસાયોમાં મેનપાવર સપ્લાય કરોડો રૂપિયાનો બિઝનેસ છે. જેમાં મની, મસલ પાવર ધરાવતાં શખ્સો સહિતના લોકો ઉપરાંત સતાની ખુરશીઓના સમર્થકો સહિતના ધંધાદારીઓ વર્ષોથી ગળાડૂબ છે. જેઓ વિવિધ કાયદાઓ અને નિયમોનો ભંગ કરીને પુરૂષ કર્મચારીઓનું અન્ય રીતે અને મહિલા કર્મીઓનું સાવ અલગ રીતે શોષણ કરતાં હોવાની ચર્ચાઓ થોડાં થોડાં સમયે 'બહાર' આવતી રહે છે ! આર્થિક ગુનાઓ સહિતનાં કુંડાળા આ ક્ષેત્રમાં વ્યાપક રીતે ચાલી રહ્યા હોવાની ' ખબરો' છતાં, આ ક્ષેત્રમાં ' સબ સલામત ' જોવા મળી રહ્યું છે, તે પણ મોટું અચરજ છે !