અશક્ત-વૃદ્ધોનું પોસ્ટલ બેલેટ મતદાન : શું કહે છે, જામનગરનાં આંકડાઓ ? 

બહુ ઓછાં વિકલાંગો અને વૃદ્ધોએ 'સરકારી' મદદ માંગી....

અશક્ત-વૃદ્ધોનું પોસ્ટલ બેલેટ મતદાન : શું કહે છે, જામનગરનાં આંકડાઓ ? 
file image

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામાં આવેલી પાંચ વિધાનસભા બેઠકોનાં મતવિસ્તારોમાં રહેતાં વયોવૃદ્ધો અને વિકલાંગો ગજબ હિંમત ધરાવે છે. તેઓ પોતાની મેળે અથવા પરિવારજનોની મદદથી મતદાન કરશે એવું દેખાઈ રહ્યું છે. કેમ કે, બહુ ઓછાં વિકલાંગો અને વૃદ્ધોએ સરકારી મદદ (પોસ્ટલ બેલેટ મતદાન) માંગી હોવાનું જિલ્લા ચૂંટણી તંત્રનાં આંકડાઓ કહે છે. 

જામનગર જિલ્લાના ચૂંટણી તંત્રનાં આંકડાઓ મુજબ, જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા 12,06,910 છે. જે પૈકી 80 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ મતદારોની સંખ્યા 26,364 છે. અને, વિકલાંગતાને કારણે શારીરિક અશકત હોય તેવાં મતદારોની કુલ સંખ્યા 9,042 છે. વૃદ્ધો સૌથી વધુ કાલાવડ વિધાનસભા મતવિસ્તારમાં અને સૌથી ઓછાં જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં છે.

કુલ 9,042 વિકલાંગો પૈકી માત્ર 172 વિકલાંગોએ વ્હીલચેરની માંગણી કરી છે. અને, 302 વિકલાંગોએ મતદાન માટે આસિસ્ટન્ટની માંગણી કરી છે. વ્હીલચેરની સૌથી વધુ જરૂરિયાત જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં 95 છે, જ્યાં 3 વ્હીલચેર ઉપલબ્ધ છે. વ્હીલચેરની સૌથી ઓછી જરૂરિયાત જામનગર ગ્રામ્ય મતવિસ્તારમાં 13 ની છે, જ્યાં 19 વ્હીલચેર ઉપલબ્ધ છે. સમગ્ર જિલ્લામાં વ્હીલચેરની કુલ જરૂરિયાત 172 ની છે, જેની સામે કુલ વ્હીલચેર 170 છે. તેથી એક મતવિસ્તારમાંથી અન્ય મતવિસ્તારમાં વ્હીલચેર મોકલી શકાય. દાખલા તરીકે, જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં વ્હીલચેરની જરૂરિયાત 25 ની છે, તેની સામે આ મતવિસ્તારમાં કુલ વ્હીલચેર 88 છે. જિલ્લાનાં કુલ 26,364 વરિષ્ઠ મતદારો પૈકી માત્ર 681 મતદારોએ તંત્રની મદદની માંગણી મતદાન માટે કરી છે. જેમાં સૌથી વધુ 379 વરિષ્ઠ મતદારોએ જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં આ મદદ માંગી છે.