Mysamachar.in-જામનગરઃ
રાજ્યમાં વર્ષ 2018ની બેચના કુલ 8 IPSને પ્રોબેસનલ ASP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં સૌથી રોચક નામ છે સફીન હસનનું કે જેઓ જામનગર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ સફીન હસન દેશના સૌથી નાની વય 22 વર્ષના IPS અધિકારી છે. તેઓએ પ્રથમ પ્રયાસે જ UPSC પરીક્ષા પાસ કરી ઓલ ઇન્ડિયામાં 520મો રેન્ક મેળવ્યો છે. મૂળ બનાસકાંઠાના કાણોદર ગામના રહેવાસી સફીન હસને પ્રાથમિક શિક્ષણ ગામમાંથી મેળવ્યા બાદ સુરતની એક કોલેજમાં બી.ટેકનો અભ્યાસ કર્યો છે. હસનનું સપનું IAS બનવાનું છે, તેઓએ બીજી વાર પણ યુપીએસસીની મેઇન્સ પાસ કરી લીધી છે અને ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરી રહ્યા છે.
સફીન હસનની સફળતા પાછળ તેના માતા-પિતાનો મહત્વનો ફાળો રહ્યો છે. સફીન હસનના પિતા બનાસકાંઠાના કાણોદર ગામમાં ઇલેક્ટ્રિશયનનું કામ કરે છે. જ્યારે તેમની માતા કોન્ટ્રાક્ટર પર રોટલી વણવાનું કામ કરે છે. કહેવામાં આવે છે કે સફીન હસનના પોલીસમાં રોલ મોડેલ હસમુખ પટેલ, પ્રદીપ સેજુલ અને અતુલ કરવાલ છે અને આઈ.એ.એસ.માં તેજસ પરમારને હું શ્રેષ્ઠ માને છે. બાળપણથી આઈ.એ.એસ. બનવાનું સ્વપ્ન ધરાવતા સફીનનું કહેવું છે કે ઘણા વિદ્યાર્થીઓનું માનવું છે કે ગણિત કે અંગ્રેજી ન આવડતું હોય તો પરીક્ષા ક્લિયર ન કરી શકાય પરંતુ આ વાત ખોટી છે. હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું અને લેખિતમાં પરીક્ષા ગુજરાતીમાં જ આપી હતી, માત્ર ઇન્ટરવ્યૂ ઇંગ્લિશમાં આપ્યું હતું.